ખેડામાં રાજકારણ ગરમાયું, BJPમાં પૂર્વ MLA કેસરીસિંહ વિરુદ્ધ નારાજગી

ખેડાઃ જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. બીજેપીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિરુદ્ધ માતર વિધાનસભા વિસ્તારના સંગઠને નારાજગી વ્યક્ત કરી છે.
નારાજગી વ્યક્ત કરતા તેમણે જણાવ્યુ કે, બે-બે વખત પાર્ટી વિરુદ્ધ જઈને પૂર્વ ધારાસભ્યએ પાર્ટીને હારનો સામનો કરાવ્યો છે. માતર APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ચેરમેન બનાવવા કેસરીસિંહે જાહેરમાં ટેકો આપ્યો હતો. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ પૂર્વ ધારાસભ્યએ ઉમેદવારી કરી હતી.
આ તમામ આક્ષેપ સાથે માતર વિધાનસભાના ધારાસભ્ય, ત્રણ તાલુકા અને શહેર મંડળના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા. કેસરીસિંહ બીજેપીના પૂર્વ ધારાસભ્ય હોવા છતાં સહકારી ચૂંટણીઓમાં પાર્ટી વિરુદ્ધ જઈ કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.
ધારાસભ્ય કલ્પેશ પરમાર, ચંદ્રેશ પટેલ, ભગવતિસિંહ પરમાર, અજીતસિંહ ગઢવી, કિશોરસિંહ ઝાલા, મનોજસિંહ રાઠોડ, વિજય વ્યાસ સહિતના નેતાઓ સહિત 200થી વધુ કાર્યકર્તાઓ કમલમ પહોંચી રજૂઆત કરી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તત્કાલિક પાર્ટીમાંથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. કેસરીસિંહના લીધે પાર્ટીમાં કાર્યકર્તાઓને મનભેદ થતો હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.