ઉપરકોટ કિલ્લામાં દેવાયત બોદરની ગાથાને દર્શાવતા મેમોરિયલનું ખાતમુહૂર્ત, 10 મહિનામાં થશે તૈયાર

સાગર ઠાકર, જૂનાગઢ: ઉપરકોટ કિલ્લામાં ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખાતમુહૂર્ત કર્યું હતું.

રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતું મેમોરિયલ તૈયાર થશે. અંદાજે 4 કરોડના ખર્ચે 10 મહિનામાં મેમોરિયલ તૈયાર થશે. ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાના હેતુથી આ મેમોરિયલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, ચુડાસમા રાજવંશના વંશજ અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી અને આહિર સમાજના અગ્રણી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, જામનગર સાંસદ પૂનમબેન માડમ, જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા, તાલાળા ધારાસભ્ય ભગાભાઈ બારડ, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી, મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ધારાસભ્ય ઉદય કાનગડ, હેમંત ખવા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.