January 2, 2025

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ? કેનેડાએ તપાસને લઈ શું કહ્યું?

Canada: ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં મોટું નિવેદન આપ્યું હતું. ભારતીય એજન્ટ અને નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણ હોવાના આક્ષેપો થયા હતા. આ નિવેદનને કારણે બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યારે હવે કેનેડા સરકારનું કહેવું છે કે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં તપાસ ચાલી રહી છે. કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના પરિણામોની હજુ રાહ જોવાઈ રહી છે. આ કેસનું ભારત સાથે સંભવિત જોડાણ માત્ર ગુપ્ત માહિતીના આધારે આરોપ છે.

ગ્લોબલ અફેર્સ કેનેડામાં ઈન્ડો-પેસિફિક બાબતોના સહાયક નાયબ પ્રધાન વેલ્ડન એપ શુક્રવારે વિદેશી હસ્તક્ષેપ પંચ સમક્ષ હાજર થયા હતા. તેમણે કહ્યું કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. “જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારી પાસે તમામ આરોપો ગુપ્ત માહિતીના આધારે છે,” વેલ્ડન એપે કહ્યું. નિજ્જર હત્યાકાંડ અંગે તેમણે કહ્યું કે ભારત સરકારની સંડોવણી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી આરસીએમપી તેમનું કામ પૂર્ણ કરે તેની રાહ જોવાઈ રહી છે.

નિજ્જર હત્યા કેસમાં 4 ભારતીયોની ધરપકડ, તપાસ ચાલુ

ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT) આ કેસની તપાસ કરી રહી છે. આ વર્ષે મે મહિનામાં તેણે 4 ભારતીય નાગરિકોની ધરપકડની જાહેરાત કરી હતી. તેમના પર હત્યામાં સામેલ હોવાનો અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તેમની ટ્રાયલ નવેમ્બરના મધ્યમાં ફરી શરૂ થવાની ધારણા છે. તપાસથી વાકેફ એક વ્યક્તિએ કહ્યું, ‘અમને આશા છે કે તેમની તપાસમાં ભારતીય સંડોવણીના પુરાવા મળશે. સ્થાનિક તપાસ એજન્સીઓને કેટલાક વધુ દસ્તાવેજો મળી શકે છે. એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે અલગ-અલગ તપાસ ચાલી રહી છે. પરિણામ આવ્યા બાદ જ ચોક્કસ કહી શકાય.