September 21, 2024

કેરળથી આવેલા વ્યક્તિનું હોટેલમાં મોત, કપડાં ખરીદવા સુરત આવ્યા હતા

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. ટેક્સ પ્લાઝો હોટલમાં 7મા માળથી લિફ્ટનો દરવાજો ખોલતા અચાનક લિફ્ટ નીચે જતા યુવકનું મોત નીપજ્યું છે. યુવક પત્ની સાથે સુરત ખરીદી કરવા આવ્યો હતો. હાલ તો પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ મેઇન્ટેનન્સ મામલે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી હોટેલ ટેક્સ પ્લાઝોમાં કેરળથી એક દંપતી આવીને રોકાયું હતું. કેરળથી સુરત ખરીદી કરવા માટે આ દંપતી અહીં આવ્યા હતા. ત્યારે ગઈકાલે સાંજે હોટલમાં ઉતર્યા બાદ સાંજે 6 કલાકે રણજીત બાબુ નીચે ઉતર્યા હતા. ત્યારે થોડા સમય બાદ તેમની પત્નીના ફોનમાં ફોન આવ્યો કે તમે નીચે આવો હોસ્પિટલ જવું પડશે. જેથી તેઓ જ્યારે નીચે પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેમને જણાવ્યું કે , તેમના પતિનું મોત થઈ ચૂક્યું છે. હોટલમાં લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાથી આ ઘટના બની હોવાની વાત હોટેલના સ્ટાફ દ્વારા જણાવવામાં આવી હતી. જો કે, ઘટના મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

આ અંગે મૃતકની પત્ની સીતારાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમે ગઈકાલે સાંજે ચાર વાગ્યે રીંગરોડ વિસ્તારમાં આવેલી હોટલ ટેક્સ પ્લાઝોમાં ઉતર્યા હતા. અમે અહીં કેરળથી સુરત કપડાંની ખરીદી કરવા માટે આવ્યા હતા. ત્યારે અમે હોટલના રૂમમાં રોકાયા અને ફ્રેશ થઈને મારા પતિ નીચે ઉતર્યા હતા. તેમને કીધું કે હું, થોડીવારમાં આવું છું. હું રૂમમાં જ હતી. આ દરમિયાન હોટલના રિસેપ્શન પરથી એક ફોન આવ્યો અને કીધું કે તમે નીચે આવો આપણે હોસ્પિટલ જવું પડશે. જેથી હું તાત્કાલિક નીચે ગઈ અને જોયું તો ડોક્ટરો આવી પહોંચ્યા હતા. મેં ત્યાં જઈને જોયું તો ડોક્ટરો લખી રહ્યા હતા. જેથી મેં પૂછ્યું કે આ શું થયું છે? કોનું એક્સિડન્ટ થયું છે? કોણ છે? મારે જોવું છે. ત્યારે મને ખબર પડે કે મારા પતિનું અવસાન થયું છે. મારા પતિના મોત મામલે મને ડોક્ટરોએ જણાવ્યું કે, હોટલમાંથી લાશ મળી છે. આ મામલે મેં જ્યારે હોટલ સ્ટાફને પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે તે લિફ્ટમાંથી ઉતર્યા ત્યારે અચાનક જ લિફ્ટનો દરવાજો ઉભો રહ્યા વગર ખુલી ગયો હતો જેથી લીફ્ટ નીચે જતી રહી હતી. આ લિફ્ટ ખૂબ જ જૂની હોવાનું લાગી રહ્યું હતું.’ હાલ તો પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટ અને લિફ્ટ મેન્ટેનન્સ મામલે હોટલવાળાની બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘સલાબતપુરા વિસ્તારમાં આવેલી ટેક્સ પ્લાઝો હોટેલમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ રણજીત બાબુ અને તેમની પત્ની હોટેલના સાતમાં માળે રોકાયા હતા. તેઓ અહીં સુરત કેરળથી આવ્યા હતા અને ખરીદી કરવા માટે આ હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન સાંજે 6:30 વાગ્યાની આસપાસ રણજીત બાબુ નીચે ઉતરતા હતા. ત્યારે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા અને અચાનક લિફ્ટ ફ્લોર પર પહોંચે તે પહેલા જ દરવાજો ખુલી ગયો હતો. જેથી તેઓ નીચે પડી ગયા હતા અને તેમનું મોત થયું છે. તેમના મોતને પગલે લાશને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં લિફ્ટની ટેક્નિકલ તપાસ પણ હાલ શરૂ કરવામાં આવી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જો હોટલ મેનેજમેન્ટની બેદરકારી હશે તો તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પોલીસ દ્વારા અનનેચરલ ડેથનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે અને હોટલના સીસીટીવી એફએસએલ અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.’