December 22, 2024

Kawad Yatra: UP બાદ હવે ઉત્તરાખંડમાં પણ યાત્રા રૂટની દુકાનોપર લખવું પડશે માલિકનું નામ

Kawad Yatra: ઉત્તર પ્રદેશની જેમ હવે ઉત્તરાખંડમાં પણ કાવડ યાત્રાના રૂટ પરના દુકાનદારોએ હોટલ અને ઢાબાના રેટ લિસ્ટની સાથે તેમના નામ લખવાના રહેશે. હરિદ્વાર પોલીસ પ્રશાસને રેસ્ટોરન્ટના માલિકોને કાવડ યાત્રાના રોડ પર નામ દર્શાવવાના આદેશો આપ્યા છે.

હરિદ્વાર SSP પરમેંદ્ર ડોબાલે જણાવ્યું છે કે કાવડ યાત્રાના રોડ પર જે હોટલો, ઢાબા, રેસ્ટોરન્ટ છે અથવા જે લારીઓ છે તેમણે પોતાના માલિકના નામ લખવા ફરજિયાત છે. આમ નહિ કરવામાં આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ હરિદ્વારમાં કેટલાક સંગઠનોએ પોલીસ સમક્ષ માંગ કરી હતી કે કાવડ માર્ગ પર શિવભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દુકાનદારોએ દુકાનો પર તેમના નામ ચોક્કસપણે લખે. ત્યારબાદ હવે પોલીસે મામલાની ગંભીરતાને જોતા આ નિર્ણય લીધો છે.

કાવડ યાત્રા દરમિયાન ઢાબા પર ન બનાવે ડુંગળી-લસણવાળો ખોરાક
મંગલોર વિસ્તારમાં એક ઢાબા પર લસણ અને ડુંગળી પીરસવામાં આવતા હોબાળો થયો હતો. ત્યારબાદ, પોલીસે ઢાબા અને હોટલ સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં પોલીસે જણાવ્યું હતું કે કાવડ યાત્રા દરમિયાન ઢાબા અને હોટલોમાં લસણ અને ડુંગળીનું ભોજન ન પીરસવામાં આવે. સાથે જ, માંસાહારી કોઈપણ સંજોગોમાં ન બનાવવામાં આવે.