December 22, 2024

ગોધરાથી મરડેશ્વર મહાદેવ સુધીની કાવડ યાત્રાનો પ્રારંભ

પંચમહાલ: દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો પર્વ એટલે શ્રાવણ માસ અને આ શ્રાવણ માસ શરૂ થતાં જ તમામ શિવભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં તલ્લીન બની ગયા છે. શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ શુરું થતાની સાથે જ શિવભક્તો દ્વારા દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચન કરી રહ્યા છે.

કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનો એ દેવાધિદેવ મહાદેવનો પ્રિય મહિનો છે અને આ મહિનામાં જે શિવભક્ત દેવાધિદેવ શિવની સાચા મનથી અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે. તેઓની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે શ્રાવણ માસમાં શિવભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે પગપાળા મંદિરે જતા હોય છે. ત્યારે ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને બજરંગદળ ના સંયુક્ત ઉપક્રમે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.

ગોધરા શહેરના લાલબાગ મંદિરથી લઈને શહેરા મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડયાત્રા યોજાઈ હતી, જેમાં ગંગા, નર્મદા અને યમુના નદીના સહિત સારંગપુર ખાતેના જળ સાથે કાવડિયા યાત્રામાં જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગોધરા શહેરના લોકો જોડાયા હતા. ગોધરાથી નીકળેલ કાવડ યાત્રાનું મુખ્ય માર્ગો પર ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ કાવડીયા શહેરા ખાતેના સ્વયં ભુ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જળ અર્પણ કરી મરડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાક્ષાત શિવજીના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરી હોવાનું જણાવ્યું હતું.