January 26, 2025

ગંગા ઘાટ પર જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7 બાળક સહિત 15 લોકોનાં મોત

UP Kasganj Accident: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લમાં સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ એક મોટો અકસ્માત સર્જાયો છે. ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી દરિયાવગંજ-પટિયાલી રોડ પર તળાવમાં ખાબકી હતી. માહિતી અનુસાર મહિલાઓ અને બાળકો સહિત ડઝનથી વધુ લોકોના ડૂબી જવાથી દર્દનાક મોત થયાના છે. તળાવમાં ગયા બાદ ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. જેમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ દટાયા હતા.ગ્રામજનો દ્વારા રાહત કામગીરી શરૂ કરી દીધી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા અનેક શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ડીએમ, એસપી અને અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડીએમએ પુષ્ટિ કરી છે કે 7 બાળકો અને 8 મહિલાઓ સહિત 15 મૃતદેહ મળી આવ્યા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. આ દૂર્ઘટનાને લીધે સ્થળ પર પરિવારજનોમાં ખળભળાચ મચી ગયો છે. માહિતી અનુસાર નજીકના ગ્રામજનો અને પોલીસકર્મીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. તળાવમાંથી બચાવાયેલા શ્રદ્ધાળુઓને પટિયાલીના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

કેવી રીતે થયો અકસ્માત?
આ ઘટના કાસગંજ જિલ્લાના પટિયાલી કોતવાલી વિસ્તારમાં દરિયાવગંજ પટિયાલી રોડ પર બની હતી. માઘ પૂર્ણિમાના અવસરે કાસગંજ જિલ્લાના કાદરગંજ ગંગા ઘાટ પર તમામ લોકો સ્નાન કરવા જઇ રહ્યાં હતા, તમામ શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના જૈથરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાસા ગામના છે, દરિયાવગંજ વિસ્તારના ગામ પાસે વાહન સાથે અથડામણથી બચવાના પ્રયાસ કરતી વખતે ટ્રેક્ટર ટ્રોલી કાબુ બહાર જઈ તળાવમાં પડી ગઈ હતી.

સીએમ યોગીએ અકસ્માતની લીધી નોંધ
સીએમ યોગીએ કાસગંજ રોડ અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી દીધી છે. બીજી બાજુ સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને તાત્કાલિક 2 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ગંભીર રીતે ઘાયલ થયેલા તમામ લોકોને 50 હજાર રૂપિયા આપવાની સૂચના આપવામાં આવી છે અને મુખ્યમંત્રીએ તમામ ઘાયલોને તાત્કાલિક મફત સારવાર આપવા સૂચના આપી છે.