કૃષ્ણા નદીમાં મળી ‘રામલલ્લા’ જેવી મૂર્તિ, હજાર વર્ષ જૂનું શિવલિંગ પણ…
રાયચૂરઃ કર્ણાટકના રાયચૂર જિલ્લાના દેવસુગુર ગામ પાસે કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ અને એક શિવલિંગ મળી આવ્યું છે. ભગવાન વિષ્ણુની મૂર્તિમાં દસ અવતારો ચિતર્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ મૂર્તિની છબિ અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન રામની મૂર્તિ સાથે મળતી આવે છે. એવો ક્યાસ લગાવવામાં આવે છે કે, ઇસ્લામિક આક્રમણકારીઓથી બચાવવા માટે આ મૂર્તિઓ ત્યાં દફન કરવામાં આવી હતી.
11છી 12મા સદી પૂર્વેની મૂર્તિઓ
આ મૂર્તિઓ શક્તિનગર પાસે કૃષ્ણા નદી પર એક પુલના નિર્માણ દરમિયાન નદી કિનારેથી મળી છે. કામ કરી રહેલી ટીમે તેને સુરક્ષિત બહાર કાઢી અને તાત્કાલિક સ્થાનિક તંત્રને આ અંગે જાણકારી આપી હતી. તપાસ કરનારા પુરાતત્વવિદનું કહેવું છે કે, આ મૂર્તિઓ અગિયારમી કે બારમી સદી પૂર્વેની છે.
મૂર્તિઓને બચાવવા માટે નદીમાં ડૂબાડવામાં આવી
પ્રસિદ્ધ ઇતિહાસકાર પદ્મજા દેસાઈના જણાવ્યા પ્રમાણે, દસ અવતાર દર્શાવતી આભાવાળી વિષ્ણુની ઉભી મૂર્તિ 11મી સદીના કલ્યાણ ચાલુક્ય વંશની માનવામાં આવે છે. આ મૂર્તિઓને કોતરવામાં વાપરવામાં આવેલી લીલો મિશ્રિત પથ્થર કલ્યાણ ચાલુક્યના સમયમાં મળતી હોવાની નિશાની મળી છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આ કલાકૃતિઓ અંતર-ધાર્મિક યુદ્ધો દરમિયાન વિરોધીઓથી બચાવવા માટે જાણીજોઈને નદીમાં ડૂબાડી દેવામાં આવી હતી.
મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોના દર્શન
રાયચૂર વિશ્વવિદ્યાલયમાં પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વ વ્યાખ્યાતા ડો. પદ્મજા દેસાઈએ કહ્યુ કે, ભગવાન વિષ્ણુની મૂર્તિ કોઈ મંદિર કે ગર્ભગૃહની શોભા વધારતી હશે. મંદિરના સંભવિત વિનાશના સમયે તેને નદીમાં નાંખવામાં આવી હશે. કૃષ્ણા બેસિનમાંથી મળેલી મૂર્તિમાં અદ્વિતીય વિશેષતાઓ જોવા મળે છે. આ દશાવતાર કે મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ સહિત ભગવાન વિષ્ણુના દસ અવતારોને દર્શાવતી એક ચાપથી ઘેરાયેલી છે.