શું કંગના વડાપ્રધાન બનવાનું વિચારી રહી છે? અભિનેત્રીએ આપ્યો જવાબ
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ક્યારેય સમાચારમાં રહેવાની કોઈ તક છોડતી નથી. તે કોઈને કોઈ નિવેદન અથવા કોમેન્ટ દ્વારા લાઈમલાઈટ ભેગી કરતી રહે છે. શનિવાર, 10 ફેબ્રુઆરીના રોજ, તેણે મુંબઈમાં એક ઈવેન્ટમાં તેલુગુ ફિલ્મ ‘રઝાકરઃ ધ સાયલન્ટ જેનોસાઈડ ઓફ હૈદરાબાદ’નું ટ્રેલર રિલીઝ કર્યું. આ દરમિયાન અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તેણે ક્યારેય દેશના વડાપ્રધાન બનવાનું વિચાર્યું છે? જેના પર કંગનાએ તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’માં ભારતના વડાપ્રધાનની ભૂમિકા ભજવવાની મજાક ઉડાવી હતી.
કંગના રનૌતે કહ્યું, ‘મેં હમણાં જ ઈમરજન્સી નામની ફિલ્મ કરી છે. તે ફિલ્મ જોયા પછી કોઈ મને વડાપ્રધાન તરીકે જોવા નહિ ઈચ્છે. કંગના પોતાના દિગ્દર્શિત અને નિર્મિત ફિલ્મમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. ભારતમાં લાદવામાં આવેલી ઈમરજન્સીની વાર્તા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવનની આસપાસ ફરે છે. કંગનાની આ પહેલી સોલો ડિરેક્ટેડ ફિલ્મ છે.
શું કંગના રનૌત લોકસભા ચૂંટણી લડશે?
ફેબ્રુઆરી 2023માં કંગના રનૌતે કહ્યું હતું કે તે રાજકીય વ્યક્તિ નથી. સોશિયલ મીડિયા પર તેણે કહ્યું હતું કે, ‘હું એક સંવેદનશીલ અને સમજદાર વ્યક્તિ છું, રાજકીય વ્યક્તિ નથી. મને રાજકારણમાં જોડાવા માટે ઘણી વખત કહેવામાં આવ્યું, પરંતુ મેં ક્યારેય એવું કર્યું નહીં. જોકે, નવેમ્બર 2023માં કંગનાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે પત્રકારોએ તેને પૂછ્યું કે શું તે 2024માં આગામી ચૂંટણી લડશે, તો અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘જો શ્રી કૃષ્ણ રાજી થશે તો હું ચૂંટણી લડીશ.’
‘ઇમરજન્સી’ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ ‘ઇમરજન્સી’માં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે, વિશાક નાયર અને સ્વર્ગસ્થ સતીશ કૌશિક પણ છે. ઇમરજન્સી 14 જૂન, 2024ના રોજ રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 24 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ ‘સાલાર’ અને ‘ટાઈગર 3’ના કારણે સ્લોટ ખાલી ન થવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું.