કડીમાંથી શંકાસ્પદ પનીર સહિત કપાસિયા તેલનો જથ્થો પકડાયો, 7 લાખનો મુદ્દામાલ જપ્ત

કડીઃ શહેરમાં ખોરાક અને ઔષઘ નિયમન તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં નરસિંહપુરા ગામમાં કેશવી ફૂડ પ્રોડક્ટસમાંથી શંકાસ્પદ પનીર પકડાયું છે. આ ઉપરાંત અન્ય એક પેઢી ધરતી ઈન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો છે.

કેશવી ફૂડ પ્રોડક્ટ્સની પેઢીમાં ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજિટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પનીરનો 5.5 લાખની કિંમતનો કુલ 2300 કિલો જથ્થો જપ્ત કર્યો છે.

આ ઉપરાંત કપાસિયા તેલના નમૂના લઈ 2.30 લાખનું 1600 કિલો જથ્થો જપ્ત કર્યો છે. કેશવી ફૂડ પ્રોડક્ટ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝ બંને પેઢી સામે કાર્યવાહી કરી કુલ 7.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.