November 25, 2024

સાસણ ગીર સહિતની જંગલ સફારીમાં 4 મહિનાનું વેકેશન

સાગર ઠાકર, જૂનાગઢઃ સમગ્ર રાજ્યમાં જંગલ સફારીનો આજે છેલ્લો દિવસ છે. દર વર્ષે ચોમાસામાં 16 જૂનથી 14 ઓક્ટોબર સુધી ચાર મહિના સાસણગીર સહિતની જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે. આ ચાર મહિના ચોમાસું અને વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે જંગલમાં પ્રવેશબંધી રાખવામાં આવે છે. સાસણ ગીર સહિતની જંગલ સફારીમાં આવતીકાલથી બંધ થઈ રહી છે. આગામી ચાર મહિનાનું વેકેશન શરૂ થઈ જશે. દર વર્ષે 16 જૂનથી 14 ઓકટોબર સુધી જંગલમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ હોય છે. જો કે, આ વેકેશન માત્ર પ્રવાસીઓ માટે જ હોય છે. આ સમયગાળા દરમિયાન વન વિભાગની કામગીરી રાબેતા મુજબ ચાલુ હોય છે.

એશિયાટિક સિંહોને કારણે સાસણ ગીરનું નામ રાજ્ય કે દેશ નહીં પરંતુ વિશ્વ ફલક પર અંકિત થઈ ગયું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં સિંહ દર્શન માટે આવે છે. ચોમાસાની ઋતુ અને પ્રાણીઓનો પ્રજનન કાળ શરૂ થતો હોવાથી ચાર મહિના સુધી જંગલમાં પ્રવાસીઓ માટે પ્રવેશબંધી હોય છે. 16 જૂનથી જંગલ સફારી બંધ થતી હોય છે અને ફરી તે 15 ઓક્ટોબરથી શરૂ થતી હોય છે. આ ચાર મહિના દરમિયાન દેવળીયા પાર્ક અને સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે ખુલ્લા હોય છે. ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે જંગલ સફારી અનૂકુળ પણ નથી હોતી અને પ્રાણીઓના મેટિંગ પિરિયડમાં ખલેલ ઉભી ન થાય તેથી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી હોય છે.

સાસણમાં છેલ્લા દિવસે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. સવારથી જ સાસણ સિંહ સદનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ઉમટી પડ્યા હતા. સાસણ સિંહ સદનથી જ પ્રવાસીઓ બુકિંગ કરીને જીપમાં બેસીને જંગલમાં સિંહ જોવા માટે જાય છે. આજના દિવસે તમામ ટ્રીપમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ જંગલ સફારીનો લ્હાવો લઈ સિંહદર્શન કર્યા હતા. ચાલુ સિઝનમાં અંદાજે આઠ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીર તથા સફારી પાર્કની મુલાકાત કરીને સિંહ દર્શનનો લ્હાવો લીધો છે. હવે જ્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે, ત્યારે ચાર મહિનાના વેકેશન બાદ ફરી સાસણ ગીરના દ્વાર ખુલશે અને સિંહદર્શન શરૂ થશે.