December 23, 2024

જૂનાગઢમાં રાધાદામોદરજી મંદિરે અન્નકૂટ ઉત્સવની ઉજવણી

સાગર ઠાકર, જૂનાગઢઃ સૌરાષ્ટ્રના પૌરાણિક તીર્થક્ષેત્ર પૈકીનું એક શ્રીરાધા દામોદરજી મંદિર પુરાતનની સાથે આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. સ્કંદપુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિરમાં પુષ્ટિસંપ્રદાય અનુસાર સેવા કરવામાં આવે છે. લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે.

ગિરનારની પરિક્રમા શરૂ કરતા પહેલાં લોકો ભગવાન શ્રીરાધાદામોદરજી અને શ્રીરેવતી-બલદેવજીના દર્શન કરે છે અને યાત્રાનો પ્રારંભ છે. આમ આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને મંદિરમાં અન્નકૂટ ઉત્સવનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

ભગવાન શ્રીકૃષ્ણએ ભૂખ્યા રહીને સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતને ધારણ કરીને સૌની રક્ષા કરી હતી. ત્યારે એક દિવસના આઠ પ્રહરની રીતે સાત દિવસના 56 પ્રહર ભગવાન ભૂખ્યા રહ્યા હતા. દેવોના રાજા ઈન્દ્રનું માનભંગ થયું અને સૌ ભક્તોએ ભગવાનને 56 જાતના વિવિધ ભોજન જમાડ્યા હતા. તે ભાવ સાથે હિંદુ મંદિરો કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન હોય તે મંદિરમાં નૂતનવર્ષમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે.