December 17, 2024

ઘેડમાં પાણી ઓસર્યા બાદ તારાજીનાં દૃશ્યો, ખેતરોમાં નદીનાં પાણીના થર જામ્યાં

જૂનાગઢઃ શહેરના ઘેડ પંથકમાં પાણી ઓસરતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને હવે પાણી ઓસર્યા બાદ ખેતરમાં પાકના ભયંકર નુકસાનીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ઓઝત નદીનો પાળો તૂટતા બામણાસા ગામમાં પાણી ફરી વળ્યા હતા અને નદીના પટ આસપાસના ખેતરોમાં નદીની માટીના અને પથ્થરોના થર જામી ગયા છે. ખેતરોમાં મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે અને ખેતી પાકની સાથે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. ઓઝત નદીનો પાળો તૂટતા આસપાસના ખેતરોમાં એટલી હદે માટીના થર જામી ગયા છે કે, ખેડૂતોને ખેતરમાંથી નદીની માટી હટાવવા પણ મોટો ખર્ચ કરવો પડે તેમ છે.

તાજેતરમાં જ સિંચાઈ વિભાગ દ્વારા 1.36 કરોડના ખર્ચે ઓઝત નદીના પાળા બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેનો ખર્ચ એળે ગયો છે. નદીના પાળા વ્યવસ્થિત રીતે અને મજબૂતાઇથી બનાવવામાં આવે તેવી અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે ખેડૂતોને સહાય સાથે ભવિષ્યમાં નદીના પાળા તૂટે નહીં તેવી કામગીરી કરવા ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે.