જૂનાગઢ SP હર્ષદ મહેતાનું રાજીનામું સરકારે સ્વીકાર્યું, અંગત કારણોસર મૂક્યું હતું રાજીનામું
જૂનાગઢઃ જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ હર્ષદ મહેતાનું રાજીનામું સરકારે સ્વીકારી લીધું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં તેમણે અંગત કારણોસર રાજીનામું મૂક્યું હતું.
27મા રેન્ક સાથે GPSC પાસ કરી હતી
વર્ષ 2007માં GPSCની ફરી જાહેરાત આવી તેમાં પ્રિલિમ અને મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયા હતા. જેમાં 4 વર્ષ બાદ 2011માં તેમનું પરિણામ આવ્યું અને તેઓ 27માં રેન્ક સાથે પાસ થઈ DySP બન્યા હતા. DySP તરીકે પસંદ થયા બાદ પણ તેમની જીવનની પરેશાની પૂર્ણ થવાનું નામ લેતી નહોતી. હર્ષદ મહેતાને જ્યારે ટ્રેનિંગમાં જવાનું હતું. ત્યારે તેમના બંને હિપ જોઈન્ટમાં રુમેટોઇડ આર્થરાઈટિસ આવ્યું હતું. 20થી વધુ ડોક્ટરોએ તેમને સચોટ ઈલાજ માટે ના કહી હતી. એક તરફ DySP તરીકે સિલેક્શન થયું હતું અને બીજી તરફ આ બીમારીને કારણે તેમને પથારીવશ થવું પડ્યું હતું. આ સંજોગોમાં એકથી બે ડોક્ટરોએ પોઝિટિવ રિસ્પોન્સ આપી અને આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિ અને દવાઓની મદદથી પોતે આગળ વધ્યા હતા. હાલમાં તેઓ જૂનાગઢના જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
કોણ છે હર્ષદ મહેતા?
અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના નાના એવા ગામ ગરમલીના વતની, નિવૃત્ત શિક્ષકના પુત્ર અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા આ GPSC પાસ ઓફિસરનો જન્મ 26 મે 1974ના રોજ થયો હતો. ચલાલાના ગરમલી ગામના પિતા બાબુભાઈ અને માતા નર્મદાબેનના પુત્ર હર્ષદ મહેતાને 4 ભાઈઓમાં 2 મોટા ભાઈ અને 1 નાનો ભાઈ હતો. તેમના પિતા બાબુભાઈ મહેતા પાણીયા દેવની પ્રાથમિક શાળામાંથી પ્રિન્સિપાલ પદે નિવૃત્ત થઈ ગયા હતા.
શિક્ષક તરીકે ફરજ બજાવી
હર્ષદ મહેતાને દમણની સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી મળી હતી. ત્યાં 1 વર્ષ નોકરી કર્યા બાદ લાઠીની કલાપી સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ઈંગ્લિશ ટીચર તરીકે 7 વર્ષ નોકરી કરી હતી. આ દરમિયાન 2001માં GPSCની પરીક્ષા આપી તેમાં પ્રિલિમ મેઈન પાસ કરીને ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું. જો કે, કમનસીબે 2004માં પરિણામમાં કટ ઓફમાં છ માર્ક માટે તેઓ રહી ગયા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પાર્ટ ટાઈમ M.Ed.નો કોર્સ કરી ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ લાઠીની સરકારી નોકરી છોડી રાજકોટ આવ્યા અને અહીં T.N.રાવ કોલેજમાં B.Ed., M.Ed.માં લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.