જૂનાગઢમાં ઉનાળું પાકનું વાવેતર, કૃષિ યુનિવર્સિટીના સલાહ-સૂચન
સાગર ઠાકર, જૂનાગઢઃ ખેતી પાકોમાં મગફળી જૂનાગઢ જિલ્લાનો મુખ્ય પાક છે, પરંતુ ઉનાળું વાવેતરમાં જૂનાગઢ જિલ્લામાં તલ, મગ અને અડદનું સૌથી વધુ વાવેતર થયું છે. જો કે, ઉનાળું વાવેતર પૂર્ણ થવાને હજુ 15 દિવસ બાકી છે. ત્યાં સુધીમાં જિલ્લામાં ઉનાળું વાવેતર 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 61 હજાર હેક્ટરમાં ઉનાળું વાવેતર થયું છે. કૃષિ યુનિ દ્વારા ઉનાળું વાવેતરને લઈને ભલામણો કરવામાં આવી છે. ખાસ કરીને ઉનાળું વાવેતરમાં પિયતનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.
સામાન્ય રીતે જ્યાં પિયત એટલે કે પાણીની પૂરતી સુવિધા હોય ત્યાં ઉનાળું પાક લેવામાં આવતો હોય છે. જેથી પાકને કોઈ જોખમ ન રહે, જૂનાગઢ જિલ્લામાં ઉનાળું પાકમાં તલ સૌથી મોખરે છે. બીજા ક્રમે મગ, ત્યારબાદ અડદ અને બાજરીનું વાવેતર થયું છે. જિલ્લાનો મુખ્ય પાક ઉનાળામાં પાંચમા ક્રમે છે. આમ ઉનાળું પાકમાં સૌથી વધુ વાવેતર તલનું થાય છે. તલ માટે વાતાવરણ સાનુકુળ રહે છે. વળી તેના બજારભાવ પણ સારા મળતા હોવાથી ખેડૂતો તલનું વાવેતર કરવાનું પસંદ કરે છે. જિલ્લામાં તલનું સૌથી વધુ વાવેતર વિસાવદર તાલુકામાં થયું છે. જ્યારે મગનું સૌથી વધુ વાવેતર માળિયા-હાટીના તાલુકામાં થયું છે અને અડદનું સૌથી વધુ વાવેતર માંગરોળ તાલુકામાં થયું છે.
પાકનું નામ વાવેતર વિસ્તાર (હેક્ટરમાં)
- તલ – 26086
- મગ – 5057
- અડદ – 4594
- બાજરી – 2954
- મગફળી – 1673
- ડુંગળી – 140
- શાકભાજી – 3378
- ઘાસચારો – 6375
- જિલ્લાનું કુલ વાવેતર – 50257
ચોમાસામાં જો વરસાદ ખેંચાઈ જાય તો જ પિયત કરવું પડે છે, પરંતુ ઉનાળું પાકમાં પિયત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખાસ ભલામણો કરવામાં આવે છે. ખેડૂતો કોઈ પાક લે તેના વાવેતર બાદ પિયત માટે ખાસ કાળજી લે અને જરૂર પડે ડ્રીપ ઈરીગેશન અથવા સ્પ્રિન્કલરનો ઉપયોગ કરે, જેથી પાકને પ્રમાણસર પાણી મળી રહે. નહીંતર પાકમાં રોગ કે જીવાત આવવાની સંભાવના રહેલી છે. તેનાથી ખેતી ખર્ચમાં પણ વધારો થાય છે. આમ ઉનાળું પાક દરમિયાન ડ્રીપ અને સ્પ્રિન્કલરના ઉપયોગથી ખેતી ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે. જૂનાગઢ જિલ્લામાં ઉનાળું વાવેતરની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 61 હજાર હેક્ટરની છે. માર્ચ મહિનાના અંત સુધી જિલ્લામાં 80 ટકા વાવેતર થઈ ગયું છે અને હજુ 15 દિવસમાં ઉનાળું વાવેતર પૂર્ણ થવાની સંભાવના છે. આમ ચાલુ વર્ષે પણ 60થી 62 હજાર હેક્ટરમાં ઉનાળું વાવેતર થવાની સંભાવના છે.