December 22, 2024

વરસાદી પાણીનો સંગ્રહ કરી જળસ્તર ઉંચુ લાવનારી ગુજરાતની એકમાત્ર જૂનાગઢ મનપા, દેશમાં ત્રીજા ક્રમે

સાગર ઠાકર, જૂનાગઢઃ વરસાદી પાણીના જળસંચય પ્રકલ્પને જૂનાગઢ મહાનગરપાલિકાએ ફળીભૂત કર્યો છે. વરસાદી પાણીને સંગ્રહિત કરી ભૂગર્ભજળનું સ્તર વધારનાર ગુજરાતની એકમાત્ર મહાનગરપાલિકા હોવાનું ગૌરવ જૂનાગઢ મનપાને પ્રાપ્ત થયું છે. વર્ષે અંદાજીત 5 કરોડ લીટર પાણી 660 બોરવેલ મારફત રિચાર્જ થવાથી જૂનાગઢ શહેરના ભૂગર્ભજળના સ્તરમાં વધારો થયો છે.

જૂનાગઢ મનપા દ્વારા અમૃત સ્કીમ અંતર્ગત છત સે પંપ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને વરસાદી પાણીથી મનપા હસ્તકના બોરવેલ રિચાર્જ કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત મનપા હસ્તકના બોરવેલ નજીકના રહેણાંક મકાનની અગાશીનું પાણી બોરવેલમાં ઉતારવામાં આવ્યું હતું. જેમાં મનપા દ્વારા 297 યુનિટ લગાવવામાં આવ્યા હતા. બાદમાં તેની સંખ્યા વધારવામાં આવી હતી અને હાલ 660 બોરવેલ રીચાર્જ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને અંદાજીત 5 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે અને આગામી સમયમાં દરેક ઘરમાં પણ આ યોજના લાગુ કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા મનપાનું આયોજન છે.

અગાઉ હસનાપુર ડેમમાં જળસંગ્રહ માટે વોટર ક્રેડિટ મેળવનારી જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની હતી. હવે જૂનાગઢ મહાનગરપાલિકાને વરસાદી પાણીને બોરવેલમાં સંગ્રહ કરવા બદલ દેશમાં ત્રીજા ક્રમે તથા રાજ્યમાં એકમાત્ર મહાનગરપાલિકા તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ વરસાદી પાણીને વહી જતું અટકાવી ભૂગર્ભ જળમાં વધારો કરી તેનો સંગ્રહ કરવા માટેની એક પદ્ધતિ છે. જે અંતર્ગત હાલ 660 બોરવેલ રીચાર્જ થયા છે અને હજુ બીજા રેઇન વોટર હાર્વેસ્ટિંગ યુનિટ લગાડવાની કામગીરી પ્રગતિમાં છે. ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જળસંચય જનભાગીદારી એવોર્ડની શ્રેણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાએ દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે આગામી સમયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત મીટર લગાવવામાં આવશે, જેથી વરસાદી પાણીના સંગ્રહનો ચોક્કસ આંકડો મળશે અને તેના આધારે મનપાને વોટર ક્રેડીટ મળશે.