July 7, 2024

સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં, ધમકી આપવા મામલે FIR દાખલ

જૂનાગઢઃ વેરાવળ BJP નેતા અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણીનો લેટર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઉપરાંત એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

રાજેશ ચુડાસમાના પ્રાચીમાં આપવામાં આવેલા નિવેદનને લઈને પત્ર અને વીડિયો વાયરલ થયા છે. રાકેશ દેવાણી અને તેના પરિવારને ડર લાગતો હોવાની આશંકા સેવાઈ રહી છે. તેમણે કહ્યુ છે કે, ‘તેમના પરિવારને કાંઈ થશે તો રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે.’

તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘અમારા સમાજના ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી હતી. તેમાં સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ હતું. તે છતાં હાલ સુધી તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસે પણ તેમની ધરપકડ કરી નથી કે સમરી પણ ભરી નથી.’

આ પણ વાંચોઃ કુવૈતમાં અટકાયત કરાયેલો એક યુવાન માદરે વતન પહોંચ્યો, કહ્યુ – સાત દિવસ જેલમાં રહ્યો

તેમણે કહ્યુ કે, ‘ચૂંટણી વખતે મેં તેમનો ખૂબ જ વિરોધ કર્યો હતો. સર્વે 18 વરણના લોકોને આહ્વાન કરેલું કે આ રાજેશ ચુડાસમાને મતરૂપી દાન ન આપતા. આપણે પ્રભુને પણ પુષ્પ અર્પણ નથી કરતા તો રાષ્ટ્રને કેમ કરવું. આવી ગર્ભિત ધમકી બાદ, રાજેશ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીથી પણ ઉપરવટ જઈ અને મને ડર લાગે છે. મેં ફરિયાદ કરી છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘મારી જાનને ખતરો છે, મારા પરિવારને જો કંઈપણ થશે તો રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકીને લીધે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઉભો થયો છે. હકીકતમાં આ એક સાંસદ બન્યા બાદ તેમને શપથ લેવડાવવામાં આવે છે કે, હું પ્રજા પ્રત્યે કોઈ રાગ-દ્વેષ રાખીશ નહીં, પ્રજા પ્રત્યે સમર્પિત રહીને કામ કરીશ. હું સર્વે લોકોના કામ કરીશ. આવી શપથ છતાં પણ ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાએ વેરઝેરની ભાવનાથી, પોતાના કુકર્મોને કારણે વિરોધ થયો હોય તેને સાંખી ન લઈને જાહેરમાં ગર્ભિત ધમકી આપી છે. હું પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લે. આ રીતે સાંસદ ધમકી આપે તે તેમને શોભા નથી આપતું. સેવા કરવાની તમારી ફરજ છે.’