કેશોદના ઇસરા ગામે આવેલું ધુણેશ્વરદાદાનું અલૌકિક મંદિર, લોકો એક મુઠ્ઠી ધૂળ ચડાવવાની રાખે છે માનતા

સાગર ઠાકર, જૂનાગઢઃ જિલ્લાના કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વરદાદાનું સ્થાનક આવેલું છે. ધુળેટીના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. આ સ્થાનક ધુળેટીના પર્વનું અનોખું મહત્વ ધરાવે છે. ધુળેટીના દિવસે અહીં મેળો ભરાય છે. અહીં એક મુઠ્ઠી ધૂળ ચડાવવાની માનતા લોકો રાખે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે. આસ્થાની સાથે અહીં શૌર્યનું પ્રદર્શન પણ થાય છે. મેળામાં આસપાસના ગામોમાંથી આવેલા લોકો બળદગાડાની દોડ લગાવે છે. હવે બળદગાડા બહુ ઓછાં જોવા મળે છે. ત્યારે બળદગાડાની સાથે અશ્વોની દોડનું પણ આયોજન કરાય છે અને અશ્વોના વિવિધ કરતબો પણ જોવા મળે છે.
કેશોદ તાલુકાના ઈસરા ગામે ટીંબા પર બિરાજે છે ધુણેશ્વરદાદા. આસપાસના ગામોના લોકો માટે આ આસ્થાનું કેન્દ્ર છે. ધુણેશ્વરદાદા નાગદેવતાનું સ્થાનક છે. એક સમયે અહીં મોટો રાફડો હતો. આમ પણ આપણાં ધર્મમાં ભગવાન શંકરના આભૂષણ તરીકે નાગની દેવતા તરીકે પૂજા થાય છે. લોકોની આસ્થા છે અને અહીં રાફડામાં રહેતા નાગદેવતાએ અનેક પરચાઓ પૂરા કર્યા હોવાનું ગામ લોકો જણાવે છે. આજે પણ લોકોની આસ્થા છે અને મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે.
અહીં એક મુઠ્ઠી ધૂળ ચડાવવાની લોકો માનતા રાખે છે અને માનતા પૂરી થતાં લોકો ભાવથી અહીં આવીને એક મુઠ્ઠી ધૂળ ચડાવે છે. હવે સમય જતા લોકો ઘુઘરીનો પ્રસાદ પણ ધરાવે છે. સમયાંતરે અહીં આવનારા ભક્તોની સંખ્યામાં વધારો થતો ગયો અને હવે તો અહીં મેળો ભરાવા લાગ્યો છે. આસપાસના 50 જેટલા ગામોના લોકો અહીં આવે છે. તહેવાર હોવાને લઈને લોકો આનંદ માણી શકે તે માટે અહીં મેળો યોજાય છે. મેળામાં બળદગાડાની દોડ લગાવાય છે અને અશ્વોના વિવિધ કરતબો સાથે અશ્વદોડ પણ યોજાય છે જેને નિહાળવા પણ મોટી સંખ્યામાં લોકો આવે છે.