January 8, 2025

કેશોદમાં ગ્રામ પંચાયતમાં આવકનો દાખલો કઢાવવા ગયેલી મહિલાને હોટેલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું

જૂનાગઢઃ કેશોદમાં મહિલા સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. સંતાનની સ્કોલરશિપ માટે આવકનો દાખલો મેળવવા ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. ત્યારે આ મામલે મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, મહિલા ગામની ગ્રામ પંચાયતમાં સ્કોલરશિપ માટે આવકનો દાખલો લેવા ગઈ હતી. ત્યારે ત્યાં હાજર વિક્રમ વિરડા નામના શખ્સે મહિલાને બીજા દિવસે કેશોદ બોલાવી હતી. સ્કોલરશિપ માટે જરૂરી કાગળ સાથે મહિલાને હોટેલમાં બોલાવી હતી.

ત્યારબાદ હોટેલમાં મહિલાને છરી બતાવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે મહિલાએ કેશોદ પોલીસમાં માણેકવાડા ગામના વિક્રમ વિરડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અને એટ્રોસિટીનો ગુનો પણ નોંધાવ્યો છે. હાલ પોલીસે આ મામલે આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.