કેશોદમાં પાક નિષ્ફળ જવાથી વધુ એક ખેડૂતની આત્મહત્યા, ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જૂનાગઢઃ કેશોદમાં પાક નિષ્ફળ જવાથી વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. કેશોદ તાલુકાના બાલાગામે આ ઘટના બની છે. જેમાં ખેડૂતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ખેડૂત અશોકભાઈ કુંભાણે આર્થિક સંકળામણને કારણે આ પગલું ભર્યું છે. તેઓ સતત ચિંતામાં રહેતા હતા. તેમની પાસે 30 વીઘા જેટલી જમીન હતી. તેના પર તેમણે વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો. તેના કારણે તેમને નુકસાનીનો મોટો માર સહન કરવો પડ્યો હતો. આ ઉપરાંત આર્થિક નુકસાન પણ થયું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં અનેકવાર ધરા ધ્રુજી, જાણો કારણ

ખેડૂતની જમીન દરવર્ષે વરસાદી પાણીમાં ગરકાવ રહેતા પાક સતત નિષ્ફળ જતો હતો. ત્યારે બે વખત વાવેતર બાદ પણ મગફળીનો પાક નિષ્ફળ જતા મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. રાત્રીના પરિવાર ભર ઉંઘમાં હતો, ત્યારે ખેડૂતે દોરડે લટકી આત્મહત્યાનું પગલું ભર્યું છે. નિરાધાર ખેડૂત પરિવારે સરકાર પાસે સહાયની માગ કરી છે.