January 6, 2025

જૂનાગઢમાં સામુહિક આપઘાતનો પ્રયાસ; માતા-પુત્રીનું મોત, પુત્ર સારવાર હેઠળ

જૂનાગઢઃ કેશોદના ચર ગામે સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી છે. માતા-પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

માતાનું કેશોદમાં મોત નીપજ્યું છે. જ્યારે પુત્રીને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યારે તેનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રને સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, માતા મીનાબેન અને પુત્રી રવિનાબેનનું મોત નીપજ્યું છે. પુત્ર સંજયની સારવાર ચાલુ છે.

પુત્રએ માતા અને બહેનને બેભાન હાલતમાં જોતાં તેણે પણ ઝેરી દવા પી લીધી હતી. માતા-પુત્રીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. ઉલ્લેખનીય છે કે, આઠ મહિના પહેલાં પુત્રના મૃત્યુથી સમગ્ર પરિવાર શોકમગ્ન રહેતો હતો. મહિલા અને તેના પુત્ર તથા પુત્રીને લાગી આવતા તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.