જૂનાગઢમાં મહિના પહેલા બનેલા રસ્તા પર ભૂવો, પાલિકાએ પેચવર્ક કરી સંતોષ માન્યો!
સાગર ઠાકર, જૂનાગઢઃ શહેરમાં નવા બનેલા રસ્તા પર ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના જોષીપરા મેઈન રોડ હજુ એક મહિના પહેલાં જ એક કરોડના ખર્ચે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. તેમાં ભૂવો પડતાં તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. મુખ્ય રસ્તા પર જ નહીં, પરંતુ સોસાયટી વિસ્તારમાં પણ ગટર, ગેસ અને પાણીની લાઈન નંખાઈ ગયા બાદ પેચવર્ક થતું નથી. જો કોઈ રજૂઆત કરવામાં આવે તો તંત્ર માત્ર ખાડામાં કાંકરી નાંખી થીગડાં મારીને સંતોષ માની લે છે જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
જૂનાગઢ શહેરમાં છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ગટર, ગેસ લાઈન અને પાણીની લાઈનના કનેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને રસ્તા ખોદી નાખવામાં આવ્યા હતા. જ્યાં ભૂગર્ભ ગટર, ગેસ અને પાણીની લાઈનના કામ પૂરા થઈ ગયા છે. ત્યાં નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા પરંતુ તે નવા બનાવેલા રસ્તામાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે. લાંબા સમય સુધી ચાલતા વિકાસ કાર્યોને લઈને હાલાકી અને બાદમાં નવા રસ્તા બન્યા પછી પણ લોકોને હાલાકી વેઠવી પડે છે. શહેરના જોષીપરા વિસ્તારમાં નવો જ બનેલો રોડ બેસી ગયો હતો. તે કોન્ટ્રાન્ક્ટરની બેદરકારીનો પુરાવો છે. જોષીપરા મેઈન રોડ પર દરરોજ હજારો લોકો અવરજવર કરે છે. સદનસીબે ખાડામાં કોઈ પડ્યું નહીં અને સ્થાનિક કોર્પોરેટરની જાગૃતતાને લઈને મનપાએ રાતોરાત ખાડો તો પૂરી દીધો પરંતુ અહીં તંત્રની કામગીરી પર સવાલો ઉઠે છે.
એક તરફ તંત્ર કહે છે કે, રસ્તાના કોન્ટ્રાક્ટ અપાય છે તેમાં ગેરંટી પિરિયડ હોય છે તો સામે લોકોનો પણ સવાલ છે કે શું ગેરંટી પિરિયડમાં રસ્તો હોય એટલે નબળી કામગીરી કરવાની. વિકાસના કાર્યો ચોમાસા પૂર્વ જે પૂરાં કરવાના હોય છે અને બાદમાં પેચવર્ક કરવાનું હોય છે. મનપા દ્વારા ભૂગર્ભ ગટર, ગેસ અને પાણીની લાઈનનું કામ ચોમાસાની શરૂઆતમાં પુરૂ કરાયું અને પેચવર્ક થયું નહીં જેના કારણે ખલીલપુર રોડ પરના સુભાષનગર, પ્રેરણાપાર્ક, એકતાનગર સહિતના સોસાયટી વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ રજૂઆત કરતા તંત્ર દ્વારા રસ્તા પર કાંકરી નાખીને સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે આ અંગે જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય અને રસ્તાના કામો વહેલી તકે કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.