જૂનાગઢમાં પહેલીવાર યોજાયો બૈજુ સંગીત સમારોહ, અનેક કલાકારો હાજર રહ્યા
સાગર ઠાકર, જૂનાગઢઃ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બૈજુ બાવરાની પુણ્યસ્મૃતિમાં સંગીત સમારોહ યોજાયો છે. જૂનાગઢમાં સૌપ્રથમવાર કોઈ સંગીત સમ્રાટની સ્મૃતિમાં સંગીત સમારોહ યોજાયો છે. આ કાર્યક્રમમાં 13 જેટલા કલાકારો દ્વારા ગાયન, વાદન અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી.
મૂળ ચાંપાનેર ગુજરાતના બૈજનાથ મિશ્ર કે જેને આપણે બૈજુ બાવરાથી ઓળખીએ છીએ. નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી, માતા સાથે વૃંદાવન ગયા, જ્યાં તેનો ભેટો સંત હરીદાસ સાથે થયો અને તેમની પાસેથી સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંગીત સમ્રાટ એવા બૈજુ બાવરા એક મહાન ગાયક હતા. ધ્રુપદ ગાયનમાં તેઓ એટલા નિપુણ હતા કે, દિપક રાગ ગાઈને તેઓ દિવડા પ્રગટાવી શકતા હતા. મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવી શકતા હતા. બસંત બહાર ગાઈને ફૂલ ખીલવી શકતા હતા. તેઓ સંગીત કોઈના મનોરંજન માટે નહીં પરંતુ ભક્તિ માટે ગાતા, તેઓ કૃષ્ણ ભક્ત હતા અને સમગ્ર જીવન સંગીતની સાધનામાં વ્યતિત કર્યું હતું.
ભારતના આ મહાન સંગીત સમ્રાટની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા બૈજુ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સૌપ્રથમવાર જૂનાગઢમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતના 13 જેટલા નામાંકિત કલાકારો દ્વારા સંગીત પીરસવામાં આવ્યું હતું. શાસ્ત્રીય ગાયન, ધ્રુપદ ગાયન, બાંસુરી-સારંગીની જુગલબંધી, પખાવજ, તબલા, હાર્મોનિયમ, તાનપુરાના સંગાથે શાસ્ત્રીય ગાયન અને વાદન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ સાથે ભરતનાટ્યમ નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી છે.