February 25, 2025

જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અનોખી પહેલ, મહાશિવરાત્રીના મેળા પર સૌપ્રથમવાર સંશોધન થશે

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢ ભવનાથ તળેટીમાં યોજાતા પરંપરાગત મહાશિવરાત્રીના મેળાને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ અનોખી પહેલ કરી છે, સૌપ્રથમવાર મહાશિવરાત્રીના મેળા પર સંશોધન થવા જઈ રહ્યું છે. આ સંશોધનમાં મેળામાં આવતાં લોકોના મંતવ્યો અને સૂચન તેમજ તેમની જરૂરિયાતોને સમજવા સર્વે અને પ્રશ્નાવલી મેથોડોલોજીથી સામાજિક સંશોધન થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્રના પીએચડી કરતા 15 વિદ્યાર્થીઓ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના 10 વિદ્યાર્થીઓ સર્વે કરશે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ સંશોધકોને સર્વે મેથોડોલોજી પ્રશ્નાવલીનું વિતરણ કર્યું હતું અને હવે આ ટીમ મેળામાં ફરીને સંશોધન કરશે.

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાનો પ્રથમ વાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા સંશોધકોને 40 પ્રશ્નોની એક મેળાના અભ્યાસ માટેની પ્રશ્નાવલી આપવામાં આવી છે જેના પરથી સમગ્ર મેળા પર અભ્યાસ અને સંશોધન થશે. મહાશિવરાત્રીના મેળાના આકર્ષણો, આર્થિક અસર અને ખર્ચ, સ્થાનિક વેપાર અને વેપારીઓ પર અસર, પર્યટન અને રોજગારીની અસર ઉપરાંત મહાશિવરાત્રીના મેળાના આયોજનને ભવિષ્યમાં વધુ સારૂં આયોજન અને સુધારણા માટે આ પ્રશ્નાવલીના માધ્યમથી અભ્યાસ કરવામાં આવશે. બાદમાં એક રીસર્ચ પેપર તૈયાર કરવામાં આવશે.

આ અભ્યાસથી ધાર્મિક ઉત્સવના પાંચ દિવસના જૂનાગઢના અર્થતંત્રને પણ સમજી શકાશે. મેળામાં આવનાર લોકોને શું વધારે પસંદ છે તે પણ જાણી શકાશે. જે વ્યવસ્થાઓમાં સુધારાની જરૂર છે તે મંતવ્યો પણ જાણી શકાશે એટલું જ નહીં પરંતુ વેપારીઓના મંતવ્યોનું પણ આંકલન કરવામાં આવશે. યુવાનો, અન્ય વય જૂથના ભાવિકો, વેપારી, પરિવહન અને હોટલ સેવા જેવી જુદી જુદી વ્યવસ્થાઓમાં સૂચનો તેમજ આર્થિક સામાજિક અને આધ્યાત્મિક પાસાઓને પણ આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે. આ ટીમ દ્વારા અંદાજે બે હજાર લોકોનો સર્વે કરવામાં આવશે અને તેનો રીપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે.