January 19, 2025

ચીફ ફાયર ઓફિસરની બોગસ સહીવાળું ફાયર NOC બનતા પોલીસ ફરિયાદ, બેની ધરપકડ

junagadh chief fire offiver bogus signature noc police arrested two accused

જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશને બે આરોપીની ધરપકડ કરી છે.

સાગર ઠાકર, જૂનાગઢઃ મનપામાં ચીફ ફાયર ઓફિસરની સહીવાળું બોગસ ફાયર NOC બની ગયું હતું. ત્યારે મીત ઈન્ફ્રા નામની પેઢીને મળેલી ફાયર NOC બોગસ હોવાનું ચીફ ફાયર ઓફિસરને ધ્યાનમાં આવતાં તેમણે કમિશનરને રીપોર્ટ કર્યો હતો. કમિશનર દ્વારા પોલીસ ફરીયાદ કરવાની સૂચના મળતા ચીફ ફાયર ઓફિસર દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. પરંતુ એક મહિના સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી, અંતે જ્યારે મીડિયામાં આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસે ગુનો દાખલ કરીને મનપાના જ બે કર્મચારીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર મામલે હજુ વધુ દસ્તાવેજો ચકાસવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

મહાનગરપાલિકાની હદમાં કોઈપણ બાંધકામ માટે જરૂરી મંજૂરી લેવાની હોય છે. જેના માટે ફાયર NOC પણ જરૂરી હોય છે, જે બાંધકામમાં ફાયર NOC ના હોય તેવા બાંધકામ કરનારી પેઢીને ફાયર શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે અને તેના નિયમ મુજબ તેની કાર્યવાહી થતી હોય છે. આવી જ એક મંજૂરીની કાર્યવાહી અંતર્ગત શહેરના ચોબારી રોડ પર આવેલી મીત ઈન્ફ્રા નામની પેઢી દ્વારા 17 જુલાઈ 2022ના રોજ પ્લોટ નં. 1 રેવન્યૂ સરવે નં. 135 પૈકીમાં ફાયર અભિપ્રાય આપવા અરજી કરવામાં આવી હતી. જેમાં પૂર્તતા કરવા મનપાએ 18 ઓગસ્ટ 2022ના રોજ પત્ર દ્વારા જાણ કરી હતી. પરંતુ મીત ઈન્ફ્રા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. બાદમાં મનપાએ ફરી 8 નવેમ્બર 2023ના રોજ આ અંગે પૂર્તતા કરવા નોટીસ ફટકારી હતી. તેના જવાબમાં મીત ઈન્ફ્રાએ 28 સપ્ટેમ્બર 2022ના રોજ ફાયર અભિપ્રાય મળી ગયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગરમીનો પારો વધશે, જૂનાગઢમાં હિટવેવની આગાહી

મીત ઈન્ફ્રા તરફથી મળેલા જવાબ અનુસંધાને ચીફ ફાયર ઓફીસરે જ્યારે મીત ઈન્ફ્રાને મળેલી ફાયર NOCની ખરાઈ કરી ત્યારે ચીફ ફાયર ઓફીસરને ખ્યાલ આવ્યો કે, આવું કોઈ સર્ટીફિકેટ કે નકશા પરનો અભિપ્રાય તેણે આપ્યો જ નથી, આ ફાયર NOCની ઝીણવટભરી તપાસ કરતા સહીનો દુરુપયોગ થયો હોવાનું માલુમ પડ્યું હતું. ચીફ ફાયર ઓફીસરની સહી સ્કેન કરીને ફાયર NOC અપાઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મીત ઈન્ફ્રા નામની પેઢીને મળેલી ફાયર NOC બોગસ હોવાનું ચીફ ફાયર ઓફિસરને ધ્યાનમાં આવતા તેમણે ડીએમસી મારફત કમિશનરને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના વાડજમાં રી-ડેવલપમેન્ટ વિવાદમાં છરી વડે હુમલો

કમિશનર દ્વારા આ અંગે પોલીસ ફરીયાદ કરવાની સૂચના મળતા ચીફ ફાયર ઓફિસર દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. પરંતુ આ અંગે ગુનો દાખલ કરવામાં વિલંબ થયો હતો. અંતે જ્યારે આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને મનપાની ફાયર શાખામાં અગાઉ આઉટસોર્સથી કામ કરતા સુજલ પોમલ તથા મનપાના કર્મચારી ગૌતમ બાંભરોલીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ મામલે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.