Junagadhની જ્વેલરી પેઢીમાંથી 91 લાખની ચોરી, ત્રણ આરોપીની ધરપકડ
સાગર ઠાકર, જૂનાગઢઃ શહેરના છાયા બજારમાં આવેલા એક જ્વેલર્સ પેઢીમાંથી 91 લાખની કિંમતના 1282.07 ગ્રામ સોનાની ચોરી થઈ હતી. આ અંગે પેઢીના માલિકે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરીયાદને આધારે એ-ડિવિઝન પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે ત્રણ આરોપી મેનેજર મયુર વાઘેલા, કલ્પેશ નકુમ અને ભૌમિક પરમારને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી 25.76 લાખનું 377 ગ્રામ સોનું, 4.50 લાખ રોકડા, 1.25 લાખના મોબાઇલ સહિત કુલ 31.81 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ ગુનામાં આરોપી મયુર વાઘેલા જ્વેલર્સ પેઢીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. ત્યારે પેઢીમાં કાચું સોનું આવે ત્યારે તેની સોફ્ટવેરમાં એન્ટ્રી કરી જરૂર મુજબ દાગીના બનાવવા કારીગરોને આપતો હતો. જેમાં મયુર વાઘેલા કારીગરોના સ્ટોકમાં વધુ સોનું બતાવીને પોતે થોડું થોડું કરીને સોનું કાઢી લેતો હતો. ત્યારબાદ કલ્પેશ નકુમને આપતો હતો અને કલ્પેશ સોનું ભૌમિક પરમારને આપતો હતો. ભૌમિક આ સોનું કેપ્રી ગોલ્ડ તથા આઇઆઇએફએલના કસ્ટમરોનું ઓક્શનનું સોનું હોવાનું બતાવી બજારભાવે વેચાણ કરતો હતો.
આ પણ વાંચોઃ લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, જુઓ તસવીરોમાં
પેઢીના માલિકે જ્યારે સ્ટોકનું મેળવણું કર્યું અને સોફ્ટવેરમાં એન્ટ્રી તથા બીલનું મેળવણું કર્યું હતું. ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પેઢીના માલિકે પોલીસ ફરીયાદ કરી હતી. તેના આઘારે પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ આઈફોન, સ્માર્ટવોચ, નવા બાઈક જેવા મોજશોખ પોતાના પગારમાંથી પૂરા કરી શકે તેમ ન હોવાથી ચોરી કરતા હતા. મયુર વાઘેલા સામે રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અને કલ્પેશ નકુમ સામે ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયા છે. આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.