January 8, 2025

જૂનાગઢ ભૂતનાથ મંદિર વિવાદ, વસંતગીરી બાપુનું વસિયતનામું જાહેર કર્યું

જુનાગઢઃ શહેરમાં આવેલા ભૂતનાથ મંદિરના ગાદી વિવાદ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ભૂતનાથ મંદિરના ગાદીપતિ તરીકેનું વસંતગીરી બાપુનું વસિયતનામું જાહેર કરવામાં આવ્યું છે. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે વસંતગીરી દ્વારા વસિયતમાં શિવગીરીને જાહેર કરવામાં આવ્યા છે. સાક્ષીઓ અને નોટરી સમક્ષ સહી-સિક્કા કરી વિલ બનાવવામાં આવ્યું હતું. એડવોકેટ હેમાબેન શુકલ દ્વારા વસિયતનામું મીડિયા સમક્ષ ખોલી જાહેર કરવામાં આવ્યું છે.

આ મામલે શિવગીરી બાપુએ જણાવ્યુ હતુ કે, ‘વર્ષ 2023માં મારા અંગત જીવનમાં ઘણા ફેરફાર આવ્યા હતા. 2023માં 24 એપ્રિલના રોજ પંચગુરુની હાજરીમાં મારી ચાદરવિધિ થઈ હતી. ભૂતનાથના ગાદીપતિ તરીકે જે પોતાની જાતને ઓળખાવે તે મહેશગિરીએ મંદિર પર કબ્જો કર્યો છે. બાપુની ઈચ્છા હતી કે, મંદિરમાં આવેલ ચીકુડીના ઝાડ નીચે સમાધિ આપવી એનો પણ અનાદર કર્યો હતો. બાપુ વસંતગીરીની અંતિમયાત્રામાં પ્રથમ કાંધ પણ મેં આપી હતી.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘મોડી રાત્રીએ ભૂતનાથ મંદિરમાં મહેશગિરીના 50 માણસોએ કબ્જો જમાવ્યો હતો. અડધી રાત્રે મહેશગિરીએ આ કાંડ કર્યો હતો. મહેશગિરીએ કહ્યું ટ્રસ્ટી હવે હું અને ગાદી પણ હું જ સંભાળીશ. અમે સામે ન બોલી શક્યા કારણ કે તેની સામે લડી શકી તેમ ન હતા. અમને પૈસા કે ગાદીનો મોહ ન હતો. ટ્રસ્ટી ગોવિંદ બારૈયાને રાજુનામું અપાવીને મહેશગિરીએ ધમકી આપી હતી.’

તેઓ જણાવે છે કે, ‘મને કહેવામાં આવ્યું કે હવે તારે ભગવા ઉતારી દેવાના છે અને મંદિરમાંથી કાઢી મુકાયો હતો. હું પહેરેલા કપડે ત્યાંથી નીકળી ગયો અને રાખડતું જીવન જીવવા માંડ્યો હતો. હાલમાં જેટકો કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરવા લાગ્યો છું. આ પત્રકાર પરિષદ બાદ મારા જીવનું જોખમ છે. મને મહેશગિરી મારી નાંખશે. હું અત્યાર સુધી મોઢું છુપાવીને ફરતો હતો. તંત્ર પર મને ભરોસો ન હતો. તેથી હું SP કે કલેક્ટરને મળ્યો ન હતો.’