ભૂતનાથ મંદિર વિવાદઃ મહેશગીરીનો વળતો પ્રહાર – ભવનાથમાં ફાવ્યું નહીં એટલે અહીં કબજો કરવા આવ્યો

જૂનાગઢઃ ભૂતનાથ મંદિરનો વિવાદ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. ત્યારે મહંત મહેશગીરી બાપુએ ગિરીશ કોટેચા પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે આકરા પ્રહાર કરતા અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને આગામી સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી હતી.
તેઓ કહે છે કે, ‘શા માટે રાજકોટ જઇને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે તારે? કારણ કે, જૂનાગઢના પત્રકારો તારા કપડાં ઉતારી લેશે. જૂનાગઢવાસીઓ અને પત્રકારો તને સારી રીતે જાણે જ છે. વીલ બન્યું હતું તે બ્રેઇન સર્જરી પછી આ વીલ બનાવવામાં આવ્યું હતું.’
તેઓ આકરા પ્રહાર કરતા કહે છે કે, ‘આ લોકોએ બાપુની નળીઓ કાઢીને સહી-સિક્કા કરાવી લીધા છે. જેના સાક્ષીઓ આજે પણ ભૂતનાથમાં છે. ગિરીશ કોટેચા ભવનાથમાં કબજો કરવા માગતો હતો. તેમાં ફાવ્યું નહીં પછી ભૂતનાથમાં કબજો કરવા માટે આવ્યો તેમાં પણ ફાવ્યો નહીં. વ્યાસ ભુવન અને મયારામ આશ્રમમાં તેને ખોટી રીતે જ ટ્રસ્ટી મંડળમાં નામ ઘુસાડી દીધા છે.’
તેઓ કહે છે કે, ‘તેના પુરાવા સાથે હું આગામી દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ કરીશ. કેવી રીતે એક રિક્ષાવાળો રાતોરાત ચેલો બનીને ટેક્સીવાળાને લઈ અને ભૂતનાથ ઉપર કબજો કર્યો હતો. નિર્મલ ખત્રી ઉર્ફે શિવગીરી તમે શિકાર બન્યા છો તે મને ખબર છે. તમને કેવી રીતે શિકાર બનાવવામાં આવ્યા એ પણ મને ખબર છે. તમે જ્યારે અહીંથી ગયા હતા, ત્યારે પચાસ હજાર રૂપિયા માગ્યા હતા અને લઈને ગયા હતા. જો તમને એમ લાગે છે કે તમારી સાથે ખોટું થયું છે તો તમે ચેરિટી કમિશનરમાં કેમ નથી ગયા, પોલીસ સ્ટેશનમાં કેમ નથી ગયા કે કોર્ટમાં કેમ નથી ગયા તો શા માટે નથી ગયા. ઓપરેશન થયા બાદ મસ્તિષ્કની નળીઓ કાપવામાં આવી હતી, જેથી કોઈ નિર્ણય કરી શકે તેવી પરિસ્થિતિ ન હતી, આવું એક સર્ટિફિકેટ ચેરિટી કમિશનરમાં રજૂ કરવામાં આવ્યું છે.’