December 27, 2024

મહેશગીરી બાપુને મહેન્દ્રનંદગીરી બાપુની ચેતવણી – ભવનાથ જતા વચ્ચે મુચકુંદ આવે છે, યાદ રાખજો…

જૂનાગઢઃ ગાદીના વિવાદ વચ્ચે ગર્ગાચાર્ય પીઠના જગદ્ગુરુ મહેન્દ્રનંદગીરી બાપુએ પત્રકાર પરિષદ કરી હતી અને મહેશગીરી બાપુ પર આકરા પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના મહંત પદને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે મહેશગીરી બાપુએ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ પર પૈસા આપી પદ લેવાનો આક્ષેપ કરી લેટર બોમ્બ ફોડ્યો હતો.

ત્યારે આ મામલે હરિગીરી બાપુના શિષ્ય અને મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદગીરી બાપુએ જણાવ્યુ હતુ કે, ‘એક સાધુનું ખોટી રીતે અપમાન થઈ રહ્યું છે. વજૂદ વગરની વાહીયાત વાત છે.’

મહેશગીરી બાપુના 1 ડિસેમ્બરના રોજ ભવનાથ મહાદેવ મંદિરનો કબ્જો લેવા અંગેના નિવેદન મામલે કહ્યુ હતુ કે, ‘દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. જૂનાગઢથી ભવનાથ જતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે એ યાદ રાખજો. બે-ત્રણ લોકો ભેગા મળીને કહે છે કે સ્થાનિક સાધુ એ સ્થાનિક સાધુ ન કહેવાય. શિવરાત્રી વખતે પણ સાધુ વિશે જાતિ વિષયક મુદા ઉઠાવે છે.’

તેઓ વધુમાં પ્રહાર કરતા જણાવે છે કે, ‘સાધુ સંતોને બદનામ કરે છે, માત્ર વિરોધ જ કરે છે. જે મેસેજ લોકો સુધી પહોંચ્યા છે એ વાહીયાત છે. વિધર્મી વાત કરે તો દુઃખ ન થાય પણ આપણો જ માણસ આવી વાતો ફેલાવે છે જેનું દુઃખ થાય. સોશિયલ મીડિયામાં ભવનાથ અને હરીગીરી બાપુના વિરોધમાં જે લોકો લખે છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરીશું.’