January 19, 2025

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ જેપી નડ્ડાની ગુજરાત મુલાકાત

અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે. જેપી નડ્ડા તેમના આગમન બાદ ગુજરાતમાં પાર્ટીની ચૂંટણીલક્ષી તૈયારીઓને તેજ કરશે. માહિતી અનુસાર ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એકસાથે લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે જેને લઇને જેપી નડ્ડાની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે સાથે સાથે નડ્ડા રાજ્યના નેતાઓ સાથે ચૂંટણી અંગે પણ ચર્ચા કરશે.

નડ્ડા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે
ગુજરાતની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર કાર્યાલયની સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટેના ચૂંટણી કાર્યાલયોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં એક પણ બેઠક જીતી શકી નથી. 2009ની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ પાસે 15 લોકસભા બેઠકો હતી અને કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ રાજ્યમાં કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ હતી.

કમલમમાં મહત્વની બેઠકો યોજાશે
જેપી નડ્ડાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષને ચૂંટણી તૈયારીઓ વિશે માહિતગાર કરશે. પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેતાઓ સાથેની બેઠકો કરશે અને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા સંબંધિત કાર્યક્રમોનો કરવામાં આવશે. જેપી નડ્ડા તેમની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ સંગઠન સાથે બેઠક કરશે. બીજી બાજુ ગુજરાત ભાજપ આગામી સામાન્ય ચૂંટણીની તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપશે. લોકસભા ચૂંટણીની યોજનાઓ અને રણનીતિ અંગે પ્રદેશ ભાજપ પાર્ટીના વડાને જાણકારી આપશે.