વ્હાઇટ હાઉસમાં બાઇડને હિંદુઓ સાથે ઉજવી દિવાળી, કહ્યુ – આ તમારું ઘર છે
નવી દિલ્હીઃ અમેરિકામાં એક અઠવાડિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં જો બાઇડનની પાર્ટી, ડેમોક્રેટ્સ, આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હિન્દુઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં સોમવારે સાંજે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન બાઇડને ભાષણમાં કહ્યું કે, ‘વ્હાઇટ હાઉસ મારું નથી, તમારું ઘર છે.’ બાઇડનના આ નિવેદન બાદ હોલમાં બેઠેલા લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. કમલા હેરિસ બાઇડનની ડેમોક્રેટ પાર્ટીની છે અને તે પણ ભારતીય મૂળની છે. આવી સ્થિતિમાં અમેરિકામાં હિન્દુ સમાજ પર તેની મજબૂત પકડ છે. જો કે સરવેમાં એ વાત પણ સામે આવી છે કે ભારતીયોનો એક નાનો સમૂહ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સાથે પણ છે.
અમેરિકામાં અંદાજે 2.6 મિલિયન ભારતીય મૂળના લોકો અથવા લગભગ 26 લાખ લોકો છે. વ્હાઇટ હાઉસ દ્વારા એક દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પાછલા વર્ષોની પરંપરાને ચાલુ રાખીને રાષ્ટ્રપતિ જો બાઇડન તેમના ભાષણ પહેલા બ્લુ રૂમમાં દીવો પ્રગટાવશે. વ્હાઇટ હાઉસમાં લાંબા સમયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીનો કાર્યક્રમ જ્યોર્જ ડબલ્યુ બુશના પ્રમુખપદ દરમિયાન શરૂ થયો હતો. બાદમાં ઓબામા, ટ્રમ્પ અને પછી બાઇડનના શાસન દરમિયાન પણ આ ચાલુ રહ્યું.