June 30, 2024

Jio Recharge Plan: તમામ રિચાર્જ પ્લાન મોંઘા, 3 જુલાઈથી લાગુ થશે

નવી દિલ્હીઃ દેશની ટોચની ટેલિકોમ કંપની Jio 3 જુલાઈથી મોબાઈલ રિચાર્જ રેટમાં 12થી 25 ટકાનો વધારો કરશે. કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. Jio લગભગ અઢી વર્ષના ગાળા બાદ પહેલીવાર મોબાઈલ સર્વિસના દરમાં વધારો કરવા જઈ રહ્યું છે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘નવી યોજનાઓનું લોન્ચિંગ એ 5G અને AI ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા ઉદ્યોગની નવીનતા, હરિયાળી વૃદ્ધિ તરફનું એક પગલું છે.’ કંપનીએ લગભગ તમામ પ્લાનમાં મોબાઈલ સર્વિસના દરમાં વધારો કર્યો છે.

રિચાર્જની સૌથી ઓછી કિંમત વધારીને 19 રૂપિયા કરવામાં આવી રહી છે. આ 1 જીબી ડેટા ‘એડ-ઓન-પેક’ પેક છે, જેની કિંમત 15 રૂપિયા હતી. આ અંદાજે 25 ટકા વધુ છે. કંપનીએ કહ્યું કે, 75 જીબી પોસ્ટપેઇડ ડેટા પ્લાનની કિંમત હવે 399 રૂપિયાથી વધીને 449 રૂપિયા થઈ જશે. Jioએ 84 દિવસની વેલિડિટી સાથે 666 રૂપિયાના લોકપ્રિય અમર્યાદિત પ્લાનની કિંમત પણ લગભગ 20 ટકા વધારીને 799 રૂપિયા કરી દીધી છે.

વાર્ષિક રિચાર્જ પ્લાનની કિંમતો 20-21 ટકા વધીને રૂપિયા 1,559થી રૂપિયા 1,899 અને રૂપિયા 2,999થી રૂપિયા 3,599 થશે. કંપનીના નિવેદન અનુસાર, ‘અમર્યાદિત 5G ડેટા 2GB પ્રતિ દિવસ અને તેનાથી ઉપરના તમામ પ્લાન પર ઉપલબ્ધ થશે… નવા પ્લાન 3 જુલાઈ, 2024થી પ્રભાવી થશે અને હાલના તમામ ટચપૉઇન્ટ અને ચૅનલમાંથી પસંદ કરી શકાય છે.’