મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓમાં સુરતની ચૂંટણી સામગ્રીની ભારે ડિમાન્ડ
અમિત રૂપાપરા, સુરત: દેશમાં ગમે ત્યાં ચૂંટણી હોય પણ પ્રચાર સામગ્રી તો સુરતની જ ડિમાન્ડમાં હોય છે. ઝારખંડ-મહારાષ્ટ્રમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકાઇ ગયું છે ત્યારે રાજકીય પાર્ટીઓ સુરતથી ચૂંટણી પ્રચારની સામગ્રી ઓર્ડર કરી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર નજીક રહેવાથી સૌથી વધુ ઓર્ડર મહારાષ્ટ્રના ઇલેક્શનને લઈ આવી રહ્યા છે.
બીજી તરફ ઝારખંડ માંથી ઓછા ઓર્ડર વેપારીઓને મળી રહ્યા છે. પરંતુ ઇલેક્શન કમિશન દ્વારા બંને રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરતા જ સુરતના વેપારીઓએ સાહિત્ય સામગ્રી માટેની ખાસ તૈયારી કરી દીધી છે. જેમાં સૌથી વધુ ડિમાન્ડ છે. રાજકીય પાર્ટીની સાડીઓ, ઝંડા, ખેસ , ટોપીઓની વધુ તેની તૈયારીઓ અગાઉથી કરી રાખી છે. આ ઉપરાંત અન્ય નાની-નાની રાજકીય પાર્ટીના સિમ્બોલ વાળી વસ્તુઓની ડિમાન્ડ રહેતા તેની પણ તૈયારી કરી રાખી છે. ત્યારે સુરતના વેપારીઓ આ ઇલેક્શનને લઈ 25 કરોડનો ધંધો થાય તેવો અંદાજ લગાવી રહ્યા છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ચૂંટણી બાદ હવે આખા દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થનાર વિધાનસભા ચૂંટણી ઉપર છે. ઇલેક્શન કમિશન દ્વારા બંને રાજ્યોની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. જેને લઇ રાજકીય પાર્ટીઓ પોતાની રીતે પ્રચાર કરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે દેશમાં ગમે ત્યાં ચૂંટણી થાય પરંતુ રાજકીય પાર્ટીઓ પ્રચાર માટે તો સુરતને જ સૌથી વધુ પસંદ કરે છે. ત્યારે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણી તારીખ જાહેર થતાની સાથે જ સુરતમાં ચૂંટણી સામગ્રીની સાહિત્ય વેચનાર વેપારીઓએ પણ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇલેક્શન દિવાળી બાદ નવેમ્બરમાં યોજવા જઈ રહ્યું છે ત્યારે બંને રાજ્યની રાજકીય પાર્ટીઓ પણ પોતાની રીતે પ્રચાર માટે સાહિત્ય તૈયાર કરવા માટે સુરતના વેપારી નો સંપર્ક કરવા લાગ્યા છે. ઝારખંડમાં તો ઇલેક્શન ની જાહેરાતના બે મહિના પહેલાથી જ મુક્તિ મોરચા ના નેતા દ્વારા તેમની પાર્ટીના સિમ્બોલ વાળી દિવાલ ઘડિયાળ ઓર્ડર આપવામાં આવ્યો છે. સો રૂપિયાની કિંમતની 20,000 થી વધુ દિવાલ ઘડિયાળ નો ઓર્ડર સુરતના વેપારીને આપ્યો છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડની જાહેર થયેલી ચૂંટણીને લઇ સુરતના વેપારીઓનું માનવું છે કે સુરતના વેપારીઓને સૌથી વધુ મહારાષ્ટ્રની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનો ઓર્ડર મળી રહેશે. ઝારખંડ માંથી હજુ સુધી ખૂબ જ ઓછી ઇન્કવાયરી આવી છે. પરંતુ મહારાષ્ટ્ર માંથી રોજે રોજ સાહિત્ય માટેની ઓર્ડર અને ઇન્કવાયરીઓ આવી રહી છે. ઝારખંડ કરતાં મહારાષ્ટ્ર સુરત થી નજીક છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ રાજકીય પાર્ટીઓ છે. તેમાં પણ છ જેટલી સૌથી મોટી રાજકીય પાર્ટીઓ છે. જેને લઇ અહીંથી સૌથી વધુ ઓર્ડર આવી રહ્યા છે. ખાસ કરીને સૌથી વધુ પાર્ટીના સિમ્બોલ વાળા ખેસ ટોપી ટીશર્ટ અને ઝંડાના ઓર્ડર અપાઈ રહ્યા છે.
આ ઉપરાંત સૌથી વધુ ઓર્ડર આપવાનું કારણ પણ એ છે કે અન્ય રાજ્યોના શહેરોની સરખામણીમાં સુરતમાંથી તૈયાર થતું મટીરીયલ ખૂબ જ સારી ગુણવત્તાનું હોય છે જેને લઇ તમામ રાજકીય પાર્ટીઓ પ્રથમ પસંદ સુરતના વેપારીઓને આપે છે. અને આ જ કારણ છે કે ચૂંટણી કોઈપણ રાજ્યની જાહેર થાય સુરતના વેપારીઓ અગાઉથી તૈયારી કરી રાખે છે. ત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી પ્રચારના સાહિત્ય માટે સુરતના વેપારીઓને આ વખતે અંદાજે 25 કરોડ જેટલો વેપાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જ સુરતના વેપારીઓએ ડિમાન્ડમાં રહેતી વસ્તુઓની અગાઉથી તૈયારીઓ કરી દીધી છે. જેમાં આ વખતે વેપારીઓએ 10 થી 12 જેટલી જુદી જુદી વેરાઈટીની પ્રચાર સાહિત્ય તૈયાર કર્યા છે. સાડી, મફલર,ખેસ, ઝંડા, ટોપી, સાથે આ વખતે પ્રિન્ટેડ ટીશર્ટ વધુ ડિમાન્ડમાં છે. આ ઉપરાંત નાની નાની સાહિત્યિક વસ્તુ જેમાં બ્રોચ, બોલપેન, બિલ્લા, ટેબલ પર રાખવાના ઝંડા વાળા સ્ટેન્ડ, સહિતની સાહિત્યિક વસ્તુ પણ ડિમાન્ડર હતા તૈયાર કરાઈ છે.
આ વખતે વેપારીઓ પાસે તૈયાર કરવામાં આવતા પ્રચાર સાહિત્યમાં ખાસ વાત એ જોવા મળી હતી કે એક જ સાહિત્યમાં ગઠબંધનની પાર્ટીના ચિન્હો છપાયેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે જ્યારે ચૂંટણી પ્રચારમાં નેતાઓ ખેસ પહેરે છે, ત્યારે ખેસ પર તેમની પાર્ટીનું ચિહ્ન જોવા મળે છે. પરંતુ આ વખતે પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં ખેસ પર કોઈ એક પાર્ટીનું ચિહ્ન નથી, પરંતુ મહાગઠબંધનની પાર્ટીનું ચિહ્ન પણ જોવા મળી રહ્યું છે. એક ખેસ પર મહાઅઘાડીના તમામ પક્ષોનાં ચિહ્ન, જ્યારે બીજા ખેસ પર મહાયુતિના તમામ પક્ષોનાં ચિહ્ન જોવા મળી રહ્યાં છે. આ પ્રથમવાર છે કે એક જ ખેસમાં અનેક રાજકીય પક્ષોનાં ચિહ્નો લગાડવામાં આવ્યાં છે. ત્યારે ચૂંટણી ગમે ત્યારે મેં ગમે તે રાજ્યમાં થાય પરંતુ સુરતને આ ચૂંટણીથી મોટો રોજગાર મળી જ રહે છે.