December 22, 2024

બિહાર બાદ હવે ઝારખંડમાં નિર્માણાધીન પુલ થયો ધરાશાયી, કરોડોનો ખર્ચ પહેલા જ વરસાદમાં પાણીમાં ગરકાવ!

Jharkhand Bridge Collapse: કેટલાય સમયથી નિર્માણાધીન પુલ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. બિહારમાં છેલ્લા કેટલાય સમયથી પુલ તૂટવાના સતત સમાચારો આવી રહ્યા છે. ત્યારે બિહાર બાદ હવે ઝારખંડમાં પણ પુલ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં એક નિર્માણાધીન પુલ ભારે વરસાદને કારણે અચાનક તૂટી પડ્યો હતો.

સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ તો ઝારખંડમાં પુલ તૂટી પાડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી નથી મળી. આ ઘટના શનિવારે રાત્રે ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 235 કિલોમીટર દૂર દેવરી તાલુકામાં સર્જાઇ હતી. ડુમરીટોલા અને કારીપહારી ગામોને જોડવા માટે ફતેહપુર-ભેલાવતી રોડ પર એક પુલ બનાવવામાં આવી રહ્યો છે.

કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો પુલ
ફતેહપુર-ભેલાવતી રોડ પર કરોડોના ખર્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પુલ કુલ 5.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો.

પુલનું ચાલી રહ્યું હતું નિર્માણ કાર્ય
ગિરિડીહના માર્ગ નિર્માણ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિનય કુમારે જણાવ્યું છે કે બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે બ્રિજનો ગર્ડર તૂટી ગયો હતો, જેના કારણે એક પિલર ઝૂકી ગયો હતો. કોન્ટ્રાક્ટરને આ ભાગનું પુનઃનિર્માણ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, તેમણે બ્રિજના પ્રોજેક્ટ ખર્ચને લઈને કોઈ જ માહિતી નથી આપી.

એક અઠવાડિયા પહેલા જ થયું હતું શટરિંગનું કામ
સૂત્રોએ જણાવ્યું કે આ બ્રિજ અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ઝારખંડના ગિરિડીહ અને બિહારના જમુઈ જિલ્લાના દૂરના ગામોને જોડશે. અન્ય એક એન્જિનિયરે જણાવ્યું હતું કે ગર્ડર પર શટરિંગનું કામ એક અઠવાડિયા પહેલા કરવામાં આવ્યું હતું અને તેને મજબૂત કરવા માટે ઓછામાં ઓછા 28 દિવસની જરૂર હતી.