November 18, 2024

રાજ્યસભામાં કોના ઈશારાને કારણે જયા બચ્ચન રાતાપીળા થયા

નવી દિલ્હી: રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન મંગળવારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનની નારાજગી જોવા મળી હતી. સંસદમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળા દરમિયાન શાસક પક્ષના સાંસદોના ઈશારાને કારણે સાંસદ જયા બચ્ચન રાજ્યસભામાં ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને કહ્યું કે જો સભ્યોને મુદ્દા સમજાવવામાં આવશે તો તેમણે સમજાશે, તેઓ શાળાનો બાળકો નથી અને વધુમાં કહ્યું તમામ સાંસદો સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાયબ અધ્યક્ષ હરિવંશે ગૃહના કાર્યસૂચિમાં સૂચિબદ્ધ 17મા પ્રશ્ન પછી સીધો 19મો પ્રશ્ન લીધો હતો.જેને લઇને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન અને કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને અન્ય વિપક્ષી સાંસદોએ ઉભા થઈને પ્રશ્નોના ક્રમને તોડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ અધ્યક્ષ ધનખડ અને સત્તાધારી પાર્ટીના સાંસદોએ હાથ હલાવીને વિપક્ષના સાંસદોને તેમની બેઠક પર બેસવા માટે ઇશારો કર્યો હતો. જેના કારણે જયા ગુસ્સે થઈ ગઈ હતી અને વાંધો ઉઠાવ્યો હતો.

તમે જયાના પ્રવક્તા નથી : ધનખડ
કોંગ્રેસ સાંસદ હુડ્ડાને સંબોધતા અધ્યક્ષ ધનખડે કહ્યું, “તમે તેમના પ્રવક્તા નથી. તેઓ પોતે ખૂબ વરિષ્ઠ સભ્ય છે. તમારે તેમનું સમર્થન કરવાની જરૂર નથી અને કોઈ પ્રશ્ન બાકી રહેશે નહીં.” વધુમાં ઘનખડે જયાને કહ્યું કે “કોઈપણ વ્યક્તિ ભૂલ કરી શકે છે. તમારા જેવી દેશની એક મહાન અભિનેત્રીએ પણ ફિલ્મોમાં ઘણા રિટેક લીધા હશે અને તમે સિનિયર સભ્ય છો.”

જયાએ ઉપરાષ્ટ્રપતિને કહ્યું…
ઉપરાષ્ટ્રપતિના જવાબમાં સાંસદ જયા બચ્ચને કહ્યું, “જો તમે અથવા ડેપ્યુટી સ્પીકર અમને બેસવાનું કહેશે તો અમે બેસીશું, પરંતુ જ્યારે અન્ય કોઈ સભ્ય ઈશારો કરીને અમને બેસવાનું કહેશે તો અમે તેમ નહીં કરીએ. સવાલ કરવાનો અમારો અધિકાર છે. કોઈ સવાલ છે કે કોઈ સમસ્યા છે અને તેણે બાદમાં ઉઠાવવામાં આવશે, અમે સમજીએ છીએ, અમે સ્કૂલના બાળકો નથી. બધા સાંસદો સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ.”