જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, ICC ક્રિકેટર ઑફ ધ યર બન્યો

Jasprit Bumrah ICC Men Cricketer Of The Year: જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે પણ ભારતીય ટીમને વિકેટની જરૂર પડતી ત્યારે કેપ્ટન બુમરાહનો નંબર ફેરવતો હતો. ક્રિકેટની દુનિયામાં તેના યોર્કર બોલનો કોઈ જ મુકાબલો કરી શકતો નથી. બુમરાહ ઘરે રમી રહ્યો હોય કે વિદેશમાં. તેણે દરેક જગ્યાએ પોતાની યોગ્યતા સાબિત કરી છે. બુમરાહ વિશે સૌથી ખાસ વાત એ છે કે ફોર્મેટ ગમે તે હોય, તેનું પ્રદર્શન દરેક ફોર્મેટમાં ઉત્તમ રહ્યું છે. વર્ષ 2024માં, તેમણે ભારતને T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનો કમાલ કરી બતાવ્યો હતો.  જસપ્રીત બુમરાહે વર્ષ 2024નો ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. તેણે એવોર્ડની રેસમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, ઇંગ્લેન્ડના જો રૂટ અને હેરી બ્રુકને પાછળ છોડી દીધા હતા. ICCએ મંગળવારે સાંજે એવોર્ડની જાહેરાત કરી હતી. બુમરાહે સોમવારે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો.

ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે જસપ્રીત બુમરાહ, જો રૂટ, હેરી બ્રુક અને ટ્રેવિસ હેડને પણ નોમિનેશન મળ્યા હતા, પરંતુ બુમરાહે તે બધાને પાછળ છોડી દીધા અને મોટો એવોર્ડ જીત્યો. ભારત માટે આ મોટો એવોર્ડ જીતનાર તે કુલ પાંચમો ખેલાડી છે. તેમના પહેલા રાહુલ દ્રવિડ (2004), સચિન તેંડુલકર (2010), રવિચંદ્રન અશ્વિન (2016) અને વિરાટ કોહલી (2017, 2018)એ ભારત માટે આ એવોર્ડ જીત્યો હતો. બુમરાહ ICC ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર છે. આ ઉપરાંત, તેમણે વર્ષ 2024 માટે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો.