સુરતમાં પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોષી તાલીમ યોજાઈ

અમિત રૂપાપરા, સુરત: ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગહેલોતના માર્ગદર્શન હેઠળ જરી જરદોષી તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારની વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની અમી હેન્ડીક્રાફ્ટસ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ, જરી જરદોશીની તાલીમનું આજે સમાપન થયું. તાલીમ લેનાર પોલીસ પરિવારની બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટીઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, સુરતના કલેકટર ડોકટર સૌરભ પારઘી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.
સુરત એક ઐતિહાસિક શહેર છે, તાપી નદીને કિનારે વસેલા એ શહેરમાં પહેલાના સમયમાં વેપારીઓ જરીનો વેપાર કરતા. સુરત જે રીતે ટેક્સ્ટાઇલ સીટી અને ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે એ રીતે ભારત અને વિશ્વમાં સુરતની જરી પ્રખ્યાત છે. સુરતની આ પરંપરાગત ઓળખને જાળવવા માટે સુરતની જરી જરદોશીમાંથી વિવિધ વસ્તુઓ GI પ્રોડક્ટ સાથે બનાવી એને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટસ સંસ્થા કાર્યરત બની છે. 2024/25માં આ સંસ્થા દ્વારા 135 બહેનોને કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સમર્થ, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તાલિમ આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનો માટે પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગહેલોતના માર્ગદર્શનમાં 30 બહેનોને, 10 દિવસની બેઝિક અને 30 દિવસની જરી જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી. બહેનો આત્મ નિર્ભર બને વર્ક ફ્રોમ હોમ, પોતાના અનુકૂળ સમયે ઘરે બેઠા આ તાલીમ દ્વારા વિવિધ પ્રોડક્શન કરી શકે એ હેતુથી કતારગામની 30 બહેનોને, જેઓએ સમર્થની તાલીમ લીધી હતી તેમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની તાલીમ આપવામાં આવી. આ બહેનોને કેન્દ્ર સરકારનો હેન્ડીક્રાફ્ટ વિભાગનો આર્ટીઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
આર્ટીઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા, ગાંધી શિલ્પ બજાર, મહિલા આર્થિક વિકાસ નિગમ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટ ની પ્રોડક્ટ બનાવી વેચાણ પણ કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સુરત પધાર્યા ત્યારે આ સંસ્થા દ્વારા બનાવેલ સુરતનો કિલ્લો તથા જરી જરદોશીના ખેશ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે એક્ઝિબિશનો કરવામાં આવે છે તે એક્ઝિબિશનમાં સુરત પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા જરી જોરદોશી તાલીમમાં ભાગ લીધો હતો તેમને ફ્રીમાં સ્ટોલ આપવામાં આવશે. જેથી કરીને તેઓ પણ પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટનું વેચાણ કરી શકે અને પોલીસ પરિવારની મહિલાઓને પણ એક યોગ પ્લેટફોર્મ પોતાની ચીજ વસ્તુઓ માટે મળી શકે.