November 6, 2024

ગૌહત્યાને લઈને જામનગરમાં VHP-બજરંગ દળ દ્વારા વિરોધ, પોલીસ વડાને કરી રજૂઆત

સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી અબોલ પશુઓ સામે ક્રૂરતાના અનેક દાખલા સામે આવ્યા છે જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. એનિમલ કૃઅલ્ટીને લઈને આજે VHP અને બજરંગ દળ દ્વારા પોલીસ વડાને રજૂઆત કરી આવેદન આપવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં સરેઆમ ગૌહત્યાના કાયદાનો તેમજ એનિમલ કૃઅલ્ટીનો ભંગ થઈ રહ્યો છે, તેમ જણાવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો છે. VHP અને બજરંગ દળના કાર્યકરો દ્વારા જામનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને આવા તત્વો સામે પગલાં લઈ તાત્કાલિક અસરથી FIR દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં તાજેતરમાં એક ભેંસનું કપાયેલું માથું તથા ધડના અવશેષો મળી આવ્યા હતા.

આ ઉપરાંત શહેરના શંકરટેકરી વિસ્તારમાં પણ માંસના ટુકડા જાહેરમાં જોવા મળ્યા હતા. જેને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પોલીસવડાની કચેરીએ આજે બજરંગ દળના કાર્યકરોની ટીમ રેલી સ્વરૂપે પહોંચી હતી અને જાહેરમાં એનિમલ કૃઅલ્ટી એક્ટનો સરેઆમ ભંગ કરી રહેલા તત્વ સામે પગલાં લઈ ગુનો દાખલ કરવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે.