જામનગરમાં બે દિવસમાં 6 વ્યાજખોરો સામે ફરિયાદ, 4 જણાંએ સામુહિક આપઘાત કર્યો હતો
સંજય વાઘેલા, જામનગરઃ વ્યાજખોરી એટલે સૌથી સળગતી સમસ્યા. તેવું આપણે કહી શકીએ કારણ કે, વ્યાજખોરોએ માઝા મૂકી છે અને લૂંટારું બનેલા વ્યાજખોરો આડેધડ રૂપિયા ઉઘરાવી અને જરૂરિયાતમંદોના લોહી ચૂસી રહ્યા છે. જામનગરમાં છેલ્લા બે દિવસમાં વ્યાજખોરીની 6 ફરિયાદ નોંધાતા ભારે ચર્ચા જાગી છે.
સમાજમાં વ્યાજખોરીનું દુષણ કેટલી હદે વધી ગયું છે, તેનો પુરાવો આપતી ઘટના હાલમાં જ જામનગરમાં બની છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને જામનગરના પરિવારે ભાણવડ પાસે ઝેરી દવા પીને મોત વ્હાલું કરી લીધું હતું. જામનગરમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ તાજેતરમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અનેક ભોગ બનેલા લોકોએ તો આપઘાત અને આઘાતના પ્રયાસ પણ કરી લીધા છે. ત્યારે વ્યાજખોરના આતંકને અંકુશમાં લેવા પોલીસ પણ સતર્ક બની છે જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી જામનગર પોલીસ દ્વારા લોક દરબાર અને ગામડે ગામડે લોકોમાં વ્યાજખોરોથી બચવા અને ફસાયા હોય તો પોલીસમાં ફરિયાદ નોંધવાની અપીલ કરવામાં આવી રહી છે. પરિણામ સ્વરૂપે લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો તાલુકાઓમાં 6 પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાલાવડ ટાઉન પોલીસમાં બે ફરિયાદ, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક, શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં એક, મેઘપર પોલીસ સ્ટેશનમાં એક અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે.
આકસ્મિક જરૂરિયાત સમયે લોકો ઝડપથી પૈસા મળી જતા હોવાથી લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાતા હોય છે. તકનો લાભ લઈને વ્યાજખોરો ઊંચું વ્યાજ રાખે છે. પરિણામે સમયસર નાણાં પરત ન કરતા પઠાણી ઉઘરાણી અથવા ધાકધમકી આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં તો પઠાણી ઉઘરાણીથી કંટાળી પીડિત લોકો આપઘાતનો પ્રયાસ અને આપઘાત કરી લેતા હોય છે. ત્યારે વ્યાજખોરીનું દૂષણ વહેલી તકે નાબૂદ કરવું રહ્યું.