December 26, 2024

જામનગર પોલીસે ત્રણ મહિને પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરી, લુખ્ખાગીરી કરી ઇજનેરનો કાંઠલો પકડ્યો હતો

સંજય વાઘેલા, જામનગરઃ મહાનગરપાલિકાના એક અધિકારીને ધમકી અને ખંડણી આપવાના નોંધાયેલી ચકચારી ફરિયાદ પ્રકરણમાં ત્રણ માસ બાદ આરોપી પૂર્વ કોર્પોરેટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસે આરોપી કોર્પોરેટરને સાથે રાખી મનપા કચેરી પહોંચી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું.

જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી પોતાને બહુ મોટા બાહુબલી સમજી બેઠેલા કેટલાક તત્વો માથું ઊંચકી રહ્યા છે. એવામાં ગત માર્ચ માસમાં જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે. તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની મનપાના બીજા માળે આવેલી ચેમ્બરમાં બેસે છે. ત્યાં કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7ની ઇમ્પેકટ ફીની ફાઇલ ક્લીયર કરી આપવાની ધાક- ધમકી આપી કહ્યું હતું કે, હું પૂર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. તમારે મહાનગરપાલિકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો (ખંડણી) આપવો પડશે અને એકદમ ઉશ્કેરાઈ જઈ સીટી ઈજનેર ભાવેશ જાનીના શર્ટનો કાંઠલો પકડી કહ્યું હતું કે, હારૂન પલેજાનું ખૂન થયેલું છે, તેમ તમારૂં ખુન કરાવી નાંખવાની અને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધાક-ધમકીઓ આપી હતી.

આ સમગ્ર બાબતે જામનગર મનપાના સીટી ઈજનેરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કલમ 387, 332, 504, 506(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયાને દિવસો નહીં મહિનાઓ વીતી ચૂક્યા બાદ અંતે નાટકીય રીતે આરોપી પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શુક્રવારે આરોપી પૂર્વ કોર્પોરેટરને મનપા કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ સીટી ઈજનેરને જે જગ્યાએ ધમકી અને કાંઠલો પકડ્યો હતો. ત્યાં લઈ જવામાં આવ્યા અને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાગીરી કરનારા શખ્સોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રાજકીય લાગવગથી જોરે ફાટીને ધુમાડે ચડેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉઠવા પામી છે. ત્યારે મનપા કચેરીમાં અધિકારીને ધાક ધમકી આપવાના આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે.