December 28, 2024

જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર જામનગરના આ ગામની શાળાના બાળકો

સંજય વાઘેલા, જામનગર: ગુજરાત મોડેલની વાતો કરવામાં આવે તો બીજી બાજુ શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત પુરી પાડવામાં તંત્ર નિષ્ફ્ળ રહ્યું છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં સ્કૂલ જર્જરિત હોવાને કારણે બાળકો મંદિરમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. ગ્રામજનોની અનેક રજુઆત છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતુ નથી.

સ્કૂલ કેવી હોય? જેમાં ક્લાસરૂમ હોય, રમતગમતના સાધનો હોય, ચિત્રો દોરેલા હોય, પરંતુ જામનગર જિલ્લાના નવાગામમાં એક એવી સ્કૂલ છે જ્યાં નથી ક્લાસરૂમ, નથી મેદાન કે નથી બાળકો માટે બેસવાની કોઈ વ્યવસ્થા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં વાડી શાળા આવેલી છે. આ વાડી શાળાનું બિલ્ડીંગ એટલું જર્જરિત થઇ ગયું છે કે ગમે તે ઘડીએ ધરાશાયી થઈ શકે છે. આસપાસના ત્રણથી ચાર ગામની વાડીમાં રહેતા પરિવારોના 60 જેટલાં બાળકો આ જર્જરિત સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ વાડી શાળાના પ્રિન્સિપાલ અને નવાગામના સરપંચે ગંભીરતાને ધ્યાનમાં રાખી નજીકમાં આવેલા મંદિરમાં બાળકોને બેસાડી અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે.

સ્કૂલ ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. જો કે, આ પ્રયાસો માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જામનગરના નવાગામમાં બાળકો મંદિરમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે., સુવિધાના અભાવે બાળકો પ્રાથમિક શિક્ષણ પણ અભ્યાસ કરતા નથી અને સ્કૂલ છોડે છે. નવાગામના યુવા સરપંચ દ્વારા અનેક વખત જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. જો કે માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે વહેલી તકે નાવી સ્કૂલ બનાવવામાં આવશે.

એક તરફ શિક્ષણનું સ્તર સુધારવાની મોટી મોટી વાતો કરવામાં આવી છે, તો બીજી બાજુ ગામડાઓમાં સ્કૂલોની હાલત ખુબ જ દયનિય બની ગઈ છે. હાલ નવાગામ વાડી શાળામાં શાળાતો જર્જરિત તો છેજ પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેમાં પણ બ્લેક બોર્ડ, બેન્ચ વગેરેની વ્યવસ્થા નથી, આવી સ્થિતિમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.