November 24, 2024

માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા, ડુંગળીના ઓછા ભાવથી નિરાશા

jamnagar marketing yard farmers onion less price

ખેડૂતો ડુંગળીના ભાવને કારણે નિરાશ થઈ ગયા હતા

સંજય વાઘેલા, જામનગરઃ હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને આવી રહ્યા છે. જેમાં કપાસ, ડુંગળી, અજમો, લસણ સહિતની જણસની હરાજી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ સરકાર દ્વારા ડુંગળી પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જેને લઈને ડુંગળીના ભાવ વધ્યાં છે. શરૂઆતમાં પ્રતિબંધ હોવાથી ખેડૂતોને ડુંગળીનો નીચો ભાવ મળ્યો હતો. જેને લઈને ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો અને નિરાશા વ્યક્ત કરી હતી. હવે સરકારે પ્રતિબંધ હટાવી લેતા ડુંગળીના ભાવ વધ્યાં છે. જો કે, ખેડૂતોને કેવું છે કે, અમને અફસોસ થઈ રહ્યો છે પહેલા ભાવ ન મળ્યો હવે વધ્યો છે.

હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, કપાસ, અજમો, લસણ સહિતની જણસ વેચાવવા માટે યાર્ડમાં આવી રહી છે. કૃષિ જણસથી માર્કેટિંગ યાર્ડ ધમધમી રહ્યું છે. ડુંગળીના ભાવને લઈને ખેડૂતોના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, પહેલાં એક મણના 100 રૂપિયા ભાવ મળતો હતો, જે ખૂબ જ ઓછા કહેવાય અને હવે એક મણના 300થી 400 રૂપિયા ભાવ મળી રહ્યો છે.

ખેડૂતોનું કહેવું છે કે, ડુંગળીની ખેતીમાં કુલ ખર્ચ 600થી 700 રૂપિયા થાય છે. જેની સામે માત્ર 300 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જે ખૂબ જ ઓછો કહેવાય. ડુંગળીના ભાવને લઈને સરકારે ધ્યાન આપવાની જરૂર છે. બીજી બાજુ ડુંગળીના વેપારીઓનું કહેવું છે કે, હાલ સરકારે પ્રતિબંધ હટાવી લેતા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં 300થી 400 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. જામનગરના વાતાવરણને ધ્યાનમાં રાખતા અહીં જે લાલ ડુંગળી હોય છે તે સ્ટોક કરી શકાતો નથી. હા ડુંગળીને જેટલી ખરીદવામાં આવે તેટલી જ વેચવું પડે છે. તો હાલ ભાવને લઈને ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે પરંતુ ધીમે ધીમે આગળ જતાં ભાવ વધશે તેવું આશા વ્યક્ત કરવામાં આવી છે.

એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે, જે ડુંગળીના ભાવ છે તે ખૂબ જ ઓછા મળી રહ્યા છે. તો બીજી બાજુ ડુંગળીના ભાવ વધ્યાં છે તેને લઈને ગૃહિણીઓ પણ એવું કહી રહી છે કે, જે બજેટ ખોરવાયું છે. જો કે, ધરતીપુત્રો ગણાતા ખેડૂતોને હાલ ડુંગળીના નીચા ભાવ મળતા ક્યાંકને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે.