જામનગરના બાલંભા પાટિયા પાસે અકસ્માત, 3 પદયાત્રીઓ પર વાહન ફરી વળતાં મોત

જામનગરઃ જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જોડિયાના બાલંભા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ પદયાત્રીનાં મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, પદયાત્રાળુંઓ કચ્છથી દ્વારકા તરફ જતા હતા. તે સમયે જોડિયા પાસેના બાલંભા પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પદયાત્રીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.