September 30, 2024

જામનગરવાસીઓને કલેક્ટર કચેરીના ધક્કા, પૂર બાદ નુકસાનનો સરવે છતાં રાહત પેકેજની રાહ

સંજય વાઘેલા, જામનગરઃ એક મહિના પહેલા જામનગરમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અનેક વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. એક માળ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તેટલું પાણી ભરાયું હતું. પૂરના પાણીને કારણે ઘર વખરીના સમાનને મોટું નુકશાન પહોંચ્યું હતું. આવા સમયે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. સરવેની કામગીરી પણ પૂર્ણ કરી હતી. જો કે, હજુ અનેક લોકો છે જેઓ કાગડોળે સહાયની રાહ જોઈ રહ્યા છે અને કલેકટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.

જામનગરમાં કલેક્ટર કચેરીમાં આવેલી મામલતદાર ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, પૂરમાં અમને મોટું નુકશાન થયું છે. પરંતુ આજદિન સુધી અમને રાહતના પૈસા મળ્યા નથી અને સરકારી કચેરીના અનેક ધક્કા થઈ રહ્યા છીએ. પરંતુ કોઈ જવાબ આપી રહ્યા નથી. કેટલાક લોકોને પૈસા બેન્કમાં જમા થયા છે. પરંતુ અમને પૈસા ન મળતા અમે અહીં આવ્યા છીએ. સવારે 9 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ પરંતુ કોઈ સાંભળતું નથી.

જામનગરમાં પુરની સ્થિતિ બાદ સરકાર દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક અઠવાડિયા સમય સુધી ચાલેલા સરવેની કામગીરીમાં અસર્ગસ્થ વિસ્તારોમાં સરવે કરવામાં આવ્યો હતો. અહીંથી જે પીડિત લોકો પાસેથી ડોક્યુમેન્ટ લઈને સીધી જ બેંકમાં સહાય જમા થશે તેવું જણાવવામાં આવ્યું હતું. સરવેની કામગીરીને એક મહિનો થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી સહાયના રૂપિયા બેંકમાં જમા થયા નથી.

જામનગરમાં મોટી સંખ્યામાં જે લોકોને પૈસા જમા નથી થયા. તેઓ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. અહીં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાંય તેમને હજુ રાહ જોવાનું જણાવવામાં આવ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આની પહેલા પણ સહાયની વાત હતી તે સહાય જમા થઈ નથી. આ વખતે સહાય મેળવવા અમે ધક્કા ખાઈ રહ્યા છીએ.

જામનગર મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં લોકો સહાય મેળવવા માટે આવી રહ્યા છે. ઘણાં એવા લોકો પણ છે જેમને નુકસાન થયું છે. સરવેની ટીમે પણ તેમના ડોક્યુમેન્ટ લીધા હતા. પરંતુ સરકારી ડેટામાં તેમનું નામ જ નથી. આથી તેઓ ચિંતામાં મુકાયા છે કે, તેમને સહાય મળશે કે કેમ.