December 28, 2024

ફાયરના સાધનોના નામે ઉઘાડી લૂંટ, રિફિલિંગના 300થી વધારીને 600 કર્યા!

સંજય વાઘેલા, જામનગરઃ રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ફાયર એનઓસી તથા BU મંજૂરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ઝુંબેશને રીતે હોટલો, રેસ્ટોરન્ટ, સ્કૂલ હોસ્પિટલોમાં ફાયરના સાધનોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, નવાઈની વાત તો એ છે કે લોકો પાસે ફાયરના સાધનોના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. જે ફાયરની બોટલ રીફિલિંગનું 300 રૂપિયાનું થતું હતું. તેના હવે 500થી 600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.

જામનગરના ફાયરના સાધનો વેચતા વેપારીઓ હાલ ઓવરટાઈમમાં કામ કરી રહ્યા છે. તેમના ઓવરટાઈમ કરવા પાછળનું કારણ છે કે, હાલ તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાથી લોકો તાબડતોડ ફાયરના સાધનો રિપેર કરાવવા લાગ્યા છે. ખાસ કરીને ફાયરની બોટલ રીપેરીંગ અને રીફીલિંગ કરવામાં આવી રહ્યું છે. ફાયરના સાધનોની દુકાન બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. એટલું જ નહીં, જામનગર જેવા નાના શહેરોમાં એક તો ફાયરના સાધનોની દુકાન ઓછી હોય છે. એવામાં ફાયરની બોટલ રીપેરીંગ કરવામાં પણ વેઇટિંગ કરવું પડી રહ્યું છે.

જામનગરમાં કોર્પોરેશન દ્વારા સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો વગેરે જગ્યાએ ફાયરના અધિકારીઓને સાથે રાખીને ચેકિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ ચેકિંગ પ્રક્રિયા દરમિયાન ફાયરના સાધનો જેવી કે આગ બુઝાવવા માટેની બોટલની એક્સપાયરી તારીખો ચેક કરવામાં આવી રહી છે. શહેરમાં અત્યાર સુધી રેઢારાજ ચાલતા હતા. અચાનક તંત્ર ઊંઘમાંથી જાગ્યું અને ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર ચેકિંગ કરતું ન હોવાથી લોકો પણ ફાયરના સાધનો અપડેટ કરતા ન હતા. હવે અચાનક તંત્રની કામગીરીના ડરથી લોકો ફાયરના સાધનો વસાવવા અને રીપેર કરવા દોડી રહ્યા છે. ડિમાન્ડ વધતા તેના ભાવ પણ વધી રહ્યા છે.

આટલા વર્ષથી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. રાજકોટની ઘટના બાદ તંત્ર અચાનક ઊંઘમાંથી જાગ્યું અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો ડરના માર્યા ફાયરના સાધનો રિપેર કરાવી રહ્યા છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ લેભાગુ તત્વો દ્વારા મનગડત રીતે ભાવ વધારીને બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે.