December 26, 2024

જામનગરમાં નિવૃત્ત આર્મી જવાનના ઘરમાં ચોરી, પિસ્તોલ સહિત 18 લાખની ચોરી

jamnagar ex army man house chori pistol with 18 lakhs theft

સંજય વાઘેલા, જામનગરઃ શહેરમાં બેફામ બનેલા તસ્કરો પોલીસને રીતસરનો પડકાર ફેંકી રહ્યા છે. તેવામાં વધુ એક ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નિવૃત્ત આર્મી જવાન, વેપારીના ઘરેથી તસ્કરોએ હાથફેરો કરી પીસ્તોલ સહિત 18 લાખ ઉપરાંતની રકમની ચોરી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નિવૃત્ત આર્મી મેનના દાદીનું અવસાન થતા તેઓ વતન યુપી ગયા હતા. ત્યારે પાછળથી તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી.જેને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે, જામનગરના એરફોર્સ સ્ટેશન રોડ પર આવેલા બાલાજી પાર્ક ત્રણમાં રહેતા રણવીર પ્રતાપ સુધાકરભાઇ રાજપૂતના ઘરમાં ચોરી થઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી રણવીર પ્રતાપ વર્ષ 2019માં આર્મીમાંથી સેવા નિવૃત થયા હતા અને ત્યારબાદ તેઓ જામનગરમાં જ મિત્ર હસમુખભાઈ સિંહલા સાથે મળી અને મસાલા તેમજ કરિયાણાના નામે વેપાર શરૂ કર્યો હતો. પોતે દેશભરમાં મસાલા સપ્લાયનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. ઘરે નીચેના માળે કારખાનું રાખી અને વ્યવસાય કરતા હતા.

આ દરમિયાન તાજેતરમાં જ તેમના યુપીમાં રહેતા દાદીમાનું અવસાન થતાં નિવૃત્ત આર્મી જવાન પત્ની, પુત્ર અને પુત્રી સહિતના પરિવારજનો સાથે વતન ઉત્તર પ્રદેશ ગયા હતા. આ દરમિયાન જામનગરમાં આવેલા મકાનને તાળું મારી અને વતન ગયા હતા. પાછળથી તસ્કરોએ મકાનના રસોડાની ગ્રીલ કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રૂપિયા 50,000ની કિંમતની ઓલ ઇન્ડિયા લાયસન્સ વાળી પિસ્તોલ તેમજ 30 રાઉન્ડ કારતૂસ અને રોકડ રૂપિયા 13,68,000 તથા સોનાના દાગીના તથા ચાંદીના સિક્કા સહિત 18,56,300 રૂપિયાની ચીજ વસ્તુઓનો અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.

મહત્વનું છે કે, આર્મી જવાને તાજેતરમાં જ રણબીરભાઈ સાથે ભાગીદારી કરી અને જામનગરમાં યાર્ડમાં લસણનો વેપાર શરૂ કર્યો હતો. આ લસણના વેપાર પેટે તેમને 13,00,000 ઉપરાંત રોકડની રકમ આવી હતી. તે રકમ ઘરમાં જ રાખી હતી. આ ઉપરાંત રાણી છાપ 551 સિક્કાઓ પણ હતા જે ઘરમાં જ રાખ્યા હતા તેને નિશાન બનાવી આરોપીઓ હાથફેરો કરી ગયા હતા.

ચોરી મામલે તેમના ભાગીદાર બે-ચાર દિવસે ફૂલ-છોડને પાણી પાવા માટે ઘરે આવતા હતા. તેઓ ગત તારીખ 29/3ના રોજ ઘરે આવ્યા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. આથી તેમને વતનમાં ઘરે આવેલા ભાગીદારને ફોન કર્યો હતો અને સમગ્ર વિગતની જાણકારી હતી. જેને લઈને આર્મી જવાન સહિતનો પરિવાર જામનગર આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ જોઈ અને તેમણે તાત્કાલિક સીટી સી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.