December 24, 2024

જામનગરમાં ગણેશ મહોત્સવમાં પ્રસાદ ખાધા બાદ 100 બાળકોને ફૂડ પોઇઝનિંગ

જામનગરઃ શહેરના હાપા વિસ્તારમાં ગણેશ મહોત્સવના પંડાલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બનતા ગુરૂવારે રાત્રે ભારે દોડધામ મચી ગઈ હતી. એક તબક્કે તો હોસ્પિટલમાં બેડની તંગી સર્જાતા ઉહાપોહ પણ થયો હતો. જો કે, બાદમાં સૌને રાહત મળી હતી. કારણ કે, તમામ 100 જેટલાં લોકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ માત્ર બે બાળકો જ સારવાર હેઠળ છે.

મળતી માહિતી પ્રમાણે, હાપાની એલગન સોસાયટી વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન અહીં અંદાજે 100 જેટલાં લોકોને પ્રસાદમાં મસાલાવાળા ભાત આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. આ 80 લોકોમાં 50થી વધુ બાળકો હોવાને કારણે આયોજકો અને ભાવિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. જો કે, ત્યારબાર તમામ લોકોને જામનગર જીજી હોસ્પિટલ સારવાર હેઠળ ખાસેડવામાં આવ્યા હતા. અહીં આખી રાત સારવાર બાદ વહેલી સવારે તમામ લોકોને રાજા આપી દેવામાં આવી હતી. માત્ર બે બાળકોને જ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ભાદરવી પૂનમના પહેલા દિવસે 2 લાખ ભક્તોએ કર્યા દર્શન, મંદિરને 80 લાખની આવક

બીજી બાજુ ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગ, ફૂડ શાખાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આરોગ્ય વિભાગની 12 ટીમ દ્વારા આસપાસના વિસ્તારોમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. તો ફૂડ શાખા દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જે રાજકોટ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.