ધ્રોલના ભૂચર મોરી શહીદ સ્મારકે રાજપૂત યુવા સંઘની ઉજવણી
સંજય વાઘેલા, જામનગર: પાંચસો વર્ષ પહેલા જામનગરના ધ્રોલમાં ભૂચર મોરીના મેદાનમાં લોહીયાળ યુદ્ધ ખેલાયું હતું, આ યુદ્ધને સૌરાષ્ટ્રનું પાણીપત પણ કહેવામાં આવે છે. દર વર્ષે આ લોહીયાળ યુદ્ધમાં ક્ષત્રિયોની વીરતાની યાદ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઇતિહાસમાં ભૂચર મોરીનું યુદ્ધ સૌથી ભયાનક યુદ્ધમાંથી એક છે. ઇતિહાસકારોનું માનવું છે કે ભારતમાં જેમ પાણીપતનું યુદ્ધ હતું તેટલું જ ભયાનક યુદ્ધ ધ્રોલના ભૂચર મોરીમાં ખેલાયું હતું. હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે અનેક વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.
ભૂચર મોરીના ઇતિહાસ અંગે વાત કરીએ તો, ઈસ 1591માં અને અંદાજે 429 વર્ષ પહેલાં જામનગરના ધ્રોલ નજીક આવેલા ભૂચર મોરી મેદાનમાં યુદ્ધ કેમ લડાયું તેની પાછળ એક લાંબી કહાણી છે. પરંતુ ટૂંકમાં જણાવીએ તો એ સમયે મુઘલોથી બચીને ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફરને જામનગરે આશરો આપ્યો હતો.
આ બાબતો ખાર રાખી અકબરે એ સમયે ગુજરાતના સૂબા મીર્ઝા અઝીઝ કોકાને જામનગર પર આક્રમણ કરવા આદેશ આપ્યો હતો અને મીર્ઝા અઝીઝ કોકા સામે ભૂચર મોરીના મેદાન ખાતે યુદ્ધ લડાયું હતું. આ યુદ્ધમાં જામનગરના યૌદ્ધાઓએ વીરતા દાખવી અને થોડીવાર તો મુઘલોને પીછેહટ કરવી પડી હતી. પરંતુ જામસાહેબ સતાજીનું સૈન્ય દગાબાજીનો ભોગ બન્યું હતું. લડાઈ એવી કટોકટીએ પહોંચી કે, હાથે મીંઢોળ બાંધેલું હોવા છતાં પાટવીકુંમાર અજાજી જાનૈયાઓ સાથે લડવા નીકળ્યા હતા. લડતાં લડતાં તેમના ઘોડાએ મીર્ઝા અઝીઝ કોકાના હાથી ઉપર તરાપ મારી અને યુદ્ધમાં ઘેરાઈ જતાં રાજકુંવર વીરગતિ પામ્યા હતા.
ત્યારબાદ નવોઢા રાણી ભૂચર મોરીના મેદાનમાં સતી થયાં હતાં. પાટવીકુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઈને નવોઢા રાણી સૂર્યકુંવારીબા સતી થયાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ છે. ત્યારથી લઈને આજ સુધી જાડેજા કુટુંબ સતીની ડેરીનું પૂજન કરે છે.