જામનગરની દરેડ PGVCL સાથે છેતરપિંડી, મોરબીની બે પેઢી સામે ફરિયાદ નોંધાઈ

સંજય વાઘેલા, જામનગરઃ દરેડ પીજીવીસીએલમાંથી એલ્યુમિનિયમનો ભંગાર લઈ તેને વેબ્રિજ પર ખોટો વજન કરી રૂપિયા 41.68 લાખની છેતરપિંડી કરતી બે પેઢી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં તપાસમાં ખુલે તે તમામ લોકોના નામ પણ લખાવવામાં આવ્યા છે.
જામનગર દરેડ પીજીવીસીએલની રીજનલ સ્ટોર ઓફિસના કમ્પાઉન્ડમાં રાખેલા ભંગાર થયેલો માલ નિર્સગ સ્ટાર પેઢીને વેચાણ અર્થે આપવામાં આવ્યો હતો. આ પેઢી દ્વારા આ માલ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મોરબીને આપવામાં આવ્યો હતો. જેમણે માલ ભરવા માટે માણસો અને મજૂરો મોકલી અગાઉથી કાવતરૂ રચી વેબ્રિજ નીચે જેક મારી વજન ઘટાડ્યો હતો.
હકીકતમાં 60,892 કિલોગ્રામનો સ્કેપનો માલ ભરી ગયા હતા. તેની સામે વેબ્રિજ કાંટા પર 42,650 કિલોગ્રામ સ્કેપ જ બતાવવામાં આવ્યો હતો. આમ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમ સ્ક્રેપ કે જેની કિંમત 41,68,315 રૂપિયા જેટલી થાય છે, તે પચાવી જતાં વીજ કંપનીના નુરમામદ વલીમામદ ખીરા દ્વારા જય બાલાજી એન્ટરપ્રાઇઝ મોરબી અને મેલડી એન્ટરપ્રાઇઝ મોરબીના પ્રોપરાઇટરો અને માણસો સામે પંચ-બી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જેમાં માલ ભરવાવાળા મજૂરોને સામેલ કરાયા છે.