November 24, 2024

બાલાચડી સૈનિક સ્કૂલમાં શિક્ષકે બે વિદ્યાર્થીઓને શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદ

સંજય વાઘેલા, જામનગરઃ દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી સૈનિક સ્કૂલ બાલાચડી શાળના લંપટ શિક્ષકના કાંડને પગલે ચર્ચના ચકડોળે ચડી છે. જામનગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સૈનિક સ્કૂલ બાલાચડીમાંથી સામે આવી છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને બેન્ડ માસ્ટરે ગુપ્તાંગના ભાગે અડપલાં કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંસ્કારીનગરી જામનગરના શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, દેશભરમાં જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં થતા સનસનાટી મચી ગઈ છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા અને હાલ જામનગરની સૈનિક સ્કૂલમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા પવનકુમાર ડાંગી નામના શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકે 12 વર્ષની ઉંમરના બંને બાળકોને શરીરનાં ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં, ગુરૂ અને શિષ્યના સંબંધને લજાવતા બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ બાળકોને ધમકી પણ આપી હતી અને જો કોઈને જાણ કરશો તો મારીશ તેવી ધમકી આપી હતી.

આ સમગ્ર હકીકતનો પર્દાફાશ થતાં મામલો શાળાના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો. જેને લઈને પ્રિન્સિપાલ શ્રેયશ મહેતાએ સ્થાનિક પોલીસમાં શિક્ષક પવનકુમાર ડાંગી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને જોડિયા પોલીસે લંપટ શિક્ષક સામે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.